છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો કદાચ આજે અંત આવી શકે છે. એટલે કે આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. આજે બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચ પત્રકાર પરિષદ યોજી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.
દિલ્હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. તમને જણાવી દઇએ કે, ગુજરાતની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે.
ગુજરાત અને હિમાચલ એમ બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરના રોજ જ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે તેનું મતદાન થશે જ્યારે 8 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પણ મતદાન યોજાશે. બાદમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ એક જ દિવસે જાહેર થવાની શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાઇ શકે છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, મતદારયાદી અનુસાર ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. એમ કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. જ્યારે 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો આમાં સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.