ગત વિધાનસભા ચૂંટણીમાં તળાજાની એક માત્ર બેઠક જીતીને કોંગ્રેસનું અસ્તિત્વ ભાવનગર જિલ્લામાં સચવાયું હતું પરંતુ આજે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી તેમાં તળાજાના વર્તમાન ધારાસભ્ય કનુભાઈ બારૈયાનું નામ જાહેર નહીં થતાં હવે કોંગ્રેસ પણ ‘નો રીપીટ’ થિયરીના મૂડમાં છે કે શું ?! તે અંગે અટકળો વહેતી થઈ છે. જાેકે, કનુભાઈ બારૈયાની ટિકિટ ફાઇનલ જ હોવાનું માનવામાં આવી રહ્યું છે.!
કોંગ્રેસે ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું તેમાં ભાવનગર જિલ્લામા હાલ એક માત્ર મહુવા બેઠક પર ડો. કનુભાઈ કલસરિયાનું નામ જાહેર કર્યું છે, જ્યારે કે તળાજાના સિટિંગ ધારાસભ્ય હોવા છતાં કનુભાઈ બારૈયાનું નામ નહીં જાહેર કરતા સ્વાભાવિક જ તર્ક વિતર્ક ઊઠ્યા છે. તળાજા કોંગ્રેસનો ગઢ સાબીત થતાં દાવેદારો પણ વધ્યા છે ત્યારે કાૅંગ્રેસે ઉમેદવાર જાહેર નહિ કરતા અટકળો તેજ બની છે, જાેકે, સૂત્રોનું માનીએ તો તળાજા બેઠક પર કનુભાઈ બારૈયા અને ભાવનગર પશ્ચિમ બેઠક પર કોંગ્રેસમાંથી કે.કે ગોહિલ નિશ્ચિત છે જ્યારે ભાવનગર ગ્રામ્યની બેઠક પર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પદુભા ખોખરાનું નામ હાલ મોખરે હોવાનું જણાઈ રહ્યું છે.!