ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદ નજીક સાયન્સસિટી- ઓગણજ વચ્ચે આ મહોત્સવ યોજાશે.
પૂજય પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવ માટે રિંગરોડ કિનારે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે. સ્થાનિક ખેડૂતો, બિલ્ડરો તથા વેપારીઓએ મહોત્સવ માટે આપેલી કુલ 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર આકાર લઈ રહ્યું છે. આ નગરમાં પાંચ ડોમ ઊભા કરવામાં આવશે, જેમાં જીવનને અલંકૃત કરે એવી વિવિધ પ્રેરણાઓ આપતાં પ્રદર્શનો હશે. સાંસ્કૃતિક સંદેશ આપતા અનેકવિધ રચનાત્મક સ્પોટ્સ હશે. આ સિવાય બાળકોને શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્યની પ્રેરણા આપતી અનોખી બાળનગરી હશે. આ 600 એકર જમીનમાંથી 200 એકર જમીનમાં મહોત્સવની ભવ્ય ઉજવણી થશે.
સ્વામિનારાયણનગરમાં નવી દિલ્હી સ્થિત અક્ષરધામની નાની પ્રતિકૃતિ રૂપે મંદિર ઊભું કરાશે, જ્યાં સૌકોઈ દર્શનનો લાભ લઈ શકશે તેમજ પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ રહેશે. એની આસપાસ 100 જેટલી પ્રમુખસ્વામીની નાની મૂર્તિઓ મૂકવામાં આવશે. મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખો હરિભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડશે, નગરમાં પ્રવેશવા માટે સાત પ્રવેશદ્વાર બનશે. એસ.પી. રિંગ રોડ પરના મુખ્ય પ્રવેશદ્વાર VVIPઓ માટે રહેશે, જ્યારે નગરની ડાબી તેમજ જમણી બાજુ ત્રણ-ત્રણ પ્રવેશદ્વાર ઊભાં કરાશે.
પ્રવેશની સાથે જ બન્ને બાજુ પ્રેમવતી અને પુસ્તકના સ્ટોલ રહેશે. ત્યાર બાદ અંદર અદભુત બગીચો ઊભો કરવામાં આવશે. ત્યાં ફૂલોના છોડમાં લાઈટો મૂકવામાં આવશે.જેમની વ્યસ્થા માટે આ મહોત્સવમાં 40 હજાર સ્વયંસેવક સેવા આપશે. તેમના માટે સંસ્થા તરફથી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બાકીના 400 એકરમાં સ્વયંસેવકો માટે ભોજનશાળા, તેમના રહેઠાણ ઉપરાંત ફ્રેશ થવાની વ્યવસ્થા ઊભી કરાશે. મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુમાં ફ્લેટમાં લગભગ 700 સ્વામીઓના રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવશે.ત્યારે ખરા અર્થમાં આ મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ બની રહેશે.