તળાજા ખાતે ૧૮ ગામ પાંચાળી આહીર સમાજના ઉત્કર્ષ સંગઠનના ઉપક્રમે તળાજા નજક મહુવા હાઇવે પર ૧૮માં સમૂહ લગ્નનું સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૮ ને મંગળવારે યોજાનાર આ સમુહ લગ્નોત્સવમાં ૭૮ નવદંપતીઓ સંસારિક જીવનનો સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાઈ પ્રારંભ કરશે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સમાજના એવા વ્યક્તિઓ કે જેઓએ વિવિધ ક્ષેત્રે નામના મેળવેલી હોય અથવા તો સરકારમાં ઊંચા પર નોકરી કરતા હોય તેવા ૧૦૦ વ્યક્તિઓ મંચ શોભાવશે. માંગલિક પ્રસંગો તા.૮ ના વહેલી સવારથી શરૂ થશે. જેમાં જાન આગમન સવારે ૬.૧૫ કલાકે, આર્શિર્વચન, સવારે ૮.૩૦, હસ્તમેળાપ બાદ ભોજન સમારંભ અને બપોરે ૧૨.૪૫ કલાકે જાનને વિદાયમાન અપાશે. સમૂહ લગ્ન આયોજન સમિતિ, તળાજાના પ્રમુખના જણાવ્યા પ્રમાણે આ દિવસે ભાવનગર બ્લડ બેન્ક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સમાજના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. એક જ મંડપમાં મહેમાનો અને સમાજના ૧૫ હજાર વ્યક્તિઓ ભોજન લેશે. સમૂહ લગ્નના એક દંપતી પાછળ પચાસ હજારથી વધુનો ખર્ચ થાય છે.તેમાં જે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોય તે દિકરીના લગ્ન માટે કોઈ જ રકમ લેવામાં આવતી નથી. દર દેવ દિવાળીના દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.આવતા વર્ષે તા.૨૭ ના રોજ ૧૯ મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે.