ભાવનગરના કુંભારવાડા, મોતીતળાવ, વીઆઈપી ડેલામાં આવેલ ઓઇલ રિફાઇનરી પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા બે કામદાર ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં આવેલ વી.આઈ.પી. ડેલામાં પ્લોટ નં. ૧૯૩ માં આવેલ અફઝલભાઈ ગુંદીગરાની ઓઇલ રિફાઇનરીમાં ગત સાંજના સમયે કોઈ પણ કારણોસર આગ લાગતા બ્લાસ્ટ થયો હતો.આગની આ ઘટનામાં રિફાઇનરીમાં કામ કરતા સાહિલભાઈ સલીમભાઈ ડેરૈયા અને રજાકભાઈ અલીભાઈ ભટ્ટી ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આગની આ ઘટનામાં ઓઇલ રિફાઈનરીનો કુલિંગ ટાવર, સિલિન્ડર હેડના લાકડાના બોક્સ સહિતનો સરસામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ કાફ્લો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.