ધોલેરા નજીક એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં તળાજા તાલુકાના ભદ્રાવળ ગામના વતની પરિવારના ચાર મહિલા સહિત છ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના ભદ્રાવળ ગામના વતની અને સુરતમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે વતનમાં આવ્યા બાદ ગઈકાલ સાંજે કાર લઈને સુરત પરત જઇ રહ્યો હતો ત્યારે ધોલેરા નજીક મુંડી ગામના પાટીયા પાસે એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કારનો બુકડો બોલી ગયો હતો.
આ બનાવની જાણ થતાં ધંધુકા, પીપળી સહિતની ૧૦૮ એમ્બ્યુલન્સ,પોલીસ, ધંધુકા એસ.ટી. ડેપોના અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં કારમાં મુસાફરી કરી રહેલા પરિવારના કિંજલબેન,આશાબેન, મિતલબેન, પાયલબેન, પ્રદીપભાઈ ગગજીભાઈ ઉકાભાઇ મકવાણાને ઇજા થતાં તેમને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.