કોળી સમાજના કદાવર નેતા પરસોતમ સોલંકીને ટિકિટ નહીં આપી નારાજ કરવાનું કોઈ કાળે ભાજપને પાલવે જ નહીં. તે સૌ કોઈ જાણે છે, આમ પરષોત્તમભાઈની ટિકિટ ફાઇનલ જ હતી. ભાવનગર ગ્રામ્યની બેઠક પરથી આજે ભાજપે તેમનું નામ જાહેર કર્યું ત્યારે ખાસ કોઈ નવાઈની વાત ન હતી.
પૂર્વ ધારણાં મુજબ જ પરસોતમભાઈને ટિકિટ મળી છે. જોકે રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ તેમના પુત્ર દિવ્યેશ સોલંકીને ટિકિટ મળે એ માટેના પ્રયાસોને વીફળતા મળી છે. ગુજરાતમાં રૂપાણી સરકારના વિસર્જન વખતે પરષોત્તમભાઈને પણ અન્ય દિગ્ગજોની સાથે મંત્રી પદ વિહોણા કરી દઈ ભાજપે હિંમત દર્શાવી હતી પરંતુ ટિકિટ ફાળવણીમાં પરષોત્તમભાઈની બાદબાકી શક્ય જ ન હતી. પરષોત્તમભાઈ અન્ય બેઠકો જીતવા ભાજપ માટે સફળતાની સીડી છે, છેલ્લા કેટલાક વર્ષમાં તેમનું કદ ઘટાડવાના પ્રયાસો સફળ રહ્યા નથી અને તેમની લોકપ્રિયતા કોળી સમાજ પરની પક્કડ મજબૂત છે આથી પરષોત્તમભાઈને ટિકિટ મળવી ફાઈનલ જ હતું, આજે થયેલી જાહેરાત માત્ર ઔપચારિક બની રહી હતી!!