ભાવનગર પશ્ચિમની બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ મુખ્ય ત્રણેય પક્ષના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે હવે ચૂંટણી જંગ જામશે. કોંગ્રેસ પાચ દિવસ પૂર્વે જાહેર સભા કરી ચૂકી છે તો ભાજપના ઉમેદવારે આજે જાહેર સભા કરી સતાવાર રીતે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.
આ વખતે ચૂંટણીમાં જ્ઞાતિવાદ સમીકરણોને જ મહત્વ અપાયું છે ત્યારે ત્રણેય પક્ષે આ બેઠક પર પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિના ઉમેદવારોની પસંદગી કરી છે આથી ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે. પશ્ચિમ બેઠક પર ભાજપ સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી લડી રહ્યા છે તેની સામે કોંગ્રેસના પીઢ અને સહકારી આગેવાન કે.કે ગોહિલને મેદાનમાં ઉતારાયા છે, તેમની ઉમેદવારી નિશ્ચિત મનાતી હતી અને આખરે સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે જ્યારે આમ આદમી પાર્ટીએ કોળી આગેવાન રાજુ સોલંકીને ટિકિટ આપી છે. કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે સૌ પ્રથમ ભાવનગર પશ્ચિમમાં જાહેર સભા કરી લડી લેવા તૈયારી દેખાડી છે, ગત રવિવારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને સ્થાનિક આગેવાનોએ વરતેજમાં જાહેર કરી આજે હવે પશ્ચિમ મત ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ એ ચૂંટણી ફોર્મ ભર્યા પૂર્વે જાહેર સભા યોજી હતી. આમ, શહેરમાં પૂર્વની બેઠક માટે હજુ ગડમથલ છે ત્યાં પશ્ચિમમાં પ્રચાર જંગ જામી ચૂક્યો છે. પશ્ચિમનો ચૂંટણી જંગ પરિણામ સુધી સસ્પેન્સથી ભર્યો રહેશે તેમ જણાય છે.
જ્ઞાતિવાદ સમીકરણો અને ક્ષત્રિય સમાજની નારાજગી જાેતા ભાજપના કમિટેડ મતદારોનું વલણ મહત્વનું બની રહેશે આ ઉપરાંત જૂથવાદ જેવા પરિબળો પણ ભાગ ભજવશે.!