ભાવનગર એલ.સી.બી.એ પૂર્વ બાતમીના આધારે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ સનેસ ટોલ નાકા પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલો ટ્રક ઝડપી લઈ તપાસ કરતા આ દારૂનો જથ્થો પોરબંદર પાસેની એક હોટલમાં પહોંચાડવાનો હોવાનું ખુલ્યું હતું.બુટલેગરોએ ટ્રકમાં મકાઈનો જથ્થો ભરેલો હોવાનું જુઠાણું ચલાવી બનાવટી બિલ અને ઇ-વે બિલ સાથે રાખી પંજાબના લૂધિયાણાથી છેક ભાવનગર સુધી પહોંચી ગયા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર એલ.સી.બી.સ્ટાફ ગઈ કાલે વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને વેળાવદર ભાલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ ઇન્સ્પેકટર પી.બી.જાદવને બાતમી મળી હતી કે ઈંગ્લીશ દારૂ ભરેલો ટ્રક ધોલેરા તરફથી ભાવનગર તરફ આવી રહ્યો છે,જે બાતમીના આધારે પી.એસ.આઈ.પી.બી.જેબલિયા તથા સ્ટાફના વનરાજભાઈ ખુમાણ, વિઠ્ઠલભાઈ બારૈયા, ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઇ જાેગડીયા બીજલભાઇ કરમતીયા સંજયભાઈ ચુડાસમા સહિતનાએ સનેસ સ્ટોલનાકા પાસે વોચમાં રહી ધોલેરા તરફથી આવી રહેલા બાતમી વાળા ટ્રકને અટકાવી પૂછપરછ કરતા ટ્રકના હિન્દી ભાષી ચાલક અને કલીનરે ટ્રકમાં મકાઈનો જથ્થો ભરેલો હોવાનું જણાવી તેના બિલ રજૂ કર્યા હતા. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો મળી આવતા ટ્રકને વેળાવદર ભાવ પોલીસ મથકે લઈ જવાયો હતો. ટ્રક દારૂની પેટીઓથી ખીચોખીચ ભરેલો હોય મજૂરો મંગાવી ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો નીચે ઉતારી ગણતરી કરતા ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૨૮૨૮ બોટલ કિં. રૂ. ૫૫,૬૩,૨૬૦ મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, બે મોબાઈલ, રોકડ રકમ,ખોટા બિલો,આધારકાર્ડ મળી ફૂલ રૂ.૬૪,૧૪,૨૬૯ ના મુદ્દામાલ સાથે રાજસ્થાની ટ્રક ચાલક અને ક્લીનર દિનેશકુમાર કિશનારામ પવાર અને રામનિવાસ ખિયારામ બિશ્નોઈની ધરપકડ કરી હતી.
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બંને પરપ્રાંતીય શખ્સની પૂછપરછ કરતા બન્નેએ જણાવ્યું હતું કે, તેના શેઠ કાલુ બિશ્નોઈએ લુધિયાણા ખાતેથી દારૂનો જથ્થો ટ્રકમાં ભરાવી પોરબંદરના ગોસા ગામ પાસે આવેલી એક હોટલમાં ઉતારવાનું જણાવ્યું હતું,અને ટ્રકમાં મકાઈ ભરેલી હોવાનું પોલીસને જણાવવા તેમજ તે માટે ખોટા બિલ અને ઇ-વે બિલ બનાવીને પણ આપ્યા હતા.
એલ.સી.બી.એ ત્રણેય પરપ્રાંતીય વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ ઉપરાંત ખોટા બિલ અને પુરાવાઓ તૈયાર કરવા બદલ આઈ.પી.સી.કલમ ૪૬૫,૪૬૭,૪૬૮ અને ૪૭૧ મુજબ ગુનો નોંધી મુખ્ય બુટલેગરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.