છેલ્લી 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. 2012માં તેઓ NCPમાં જોડાયા હતા. પરંતુ NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા તેઓ NCPથી નારાજ હતા.
ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો પણ બનવાનું શરૂ થઇ ગયું છે. કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને BTP મેન્ડેટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજાએ NCPમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ અંતે ટિકિટ ન આપતા નારાજ થયેલા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. આજ રોજ સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે.
કુતિયાણા બેઠક પર ‘ગોડમધર’ના પુત્રનું રાજ
સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઈતિહાસ મોટો છે. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ મોટી નામના ધરાવે છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં એનસીપી માંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.