વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 14 નવેમ્બરે ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી G-20 સમિટ માટે રવાના થશે. વડાપ્રધાનની આ ત્રણ દિવસની મુલાકાત હશે, જ્યાં તેઓ 15 અને 16 નવેમ્બરે બે દિવસીય સમિટમાં ભાગ લેશે. પીએમ મોદી સ્વાસ્થ્ય, મહામારી પછીની અર્થવ્યવસ્થા અને ઉર્જા અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં મુખ્ય વૈશ્વિક પડકારોને પહોંચી વળવા પર આ કોન્ફરન્સમાં વિશ્વ સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરે તેવી અપેક્ષા છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની આ સમિટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વાર્ષિક સમિટના સમાપન સમારોહમાં ઈન્ડોનેશિયા G-20નું અધ્યક્ષપદ ભારતને સોંપશે.
પીએમ મોદી અને અન્ય નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા, ઊર્જા, પર્યાવરણ અને ડિજિટલ પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજરી આપશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે શિખર સંમેલનની બાજુમાં, વડા પ્રધાન ઘણા નેતાઓ સાથે અલગ દ્વિપક્ષીય બેઠક કરશે, પરંતુ તેમણે શી જિનપિંગ સાથે મુલાકાત થશે કે કેમ તે પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. અન્ય નેતાઓ સાથેની આ દ્વિપક્ષીય બેઠકો હજુ નિર્ધારિત થવાની પ્રક્રિયામાં છે, એમ ક્વાત્રાએ જણાવ્યું હતું.