આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક અવસર છે. દેશમાં પહેલીવાર ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. 3 પેલોડ સાથેનું આ વિશેષ વિક્રમ એસ રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવશે.
આ રોકેટનું નિર્માણ હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ અને કો-ફાઉન્ડર પવન કુમાર ચંદનાએ જણાવ્યું કે રોકેટનું નામ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી વિક્રમ-એસ રાખવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણને મિશન પ્રરંભ નામ આપવામાં આવ્યું છે. સ્કાયરૂટ કંપનીના મિશન લોન્ચ માટેના મિશન પેચનું અનાવરણ ઈસરોના ચીફ ડૉ. એસ. સોમનાથે કર્યું હતું.
25 નવેમ્બર 2021 ના રોજ નાગપુરમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પરીક્ષણ સુવિધા ખાતે તેના પ્રથમ 3D પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સ્કાયરૂટ એરોસ્પેસના બિઝનેસ ડેવલપમેન્ટના વડા શિરીષ પલ્લીકોંડાએ જણાવ્યું હતું કે 3D ક્રાયોજેનિક એન્જિન સામાન્ય ક્રાયોજેનિક એન્જિન કરતાં વધુ વિશ્વસનીય છે. તેમજ તે 30 થી 40 ટકા સસ્તું છે. સસ્તા લોન્ચિંગનું કારણ તેના ઈંધણમાં ફેરફાર પણ છે. આ લોન્ચિંગમાં સામાન્ય ઈંધણને બદલે એલએનજી એટલે કે લિક્વિડ નેચરલ ગેસ અને લિક્વિડ ઓક્સિજન (LoX)નો ઉપયોગ કરવામાં આવશે. તે આર્થિક તેમજ પ્રદૂષણ મુક્ત છે. આ ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કરનારી ટીમનું નામ લિક્વિડ ટીમ છે. જેમાં 15 જેટલા યુવા વૈજ્ઞાનિકોએ સેવા આપી છે.