દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપવા માટે કેન્દ્ર સરકાર આ બંને ઇંધણોને જીએસટી હેઠળ લાવવા તૈયાર છે પરંતુ આ માટે રાજ્ય સરકારોની સહમતિ જરુરી હોવાનું કેન્દ્રના પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવીને હાલ આ ઇંધણ જીએસટી હેઠળ નહીં આવે તેવા સંકેત આપી દીધા હતા.
તેઓએ જણાવ્યું કે પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં રાજ્યોની સહમતિમાં મોટાભાગના રાજ્યો હજુ તૈયાર નથી અને રાજ્યો જો તૈયાર થાય તો કેન્દ્ર પણ હકારાત્મક છે. જો કે આ અંગે વધુ નાણામંત્રી જ જણાવી શકે તેવું તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે પેટ્રોલ તથા ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે વિચારણા ચાલે છે. પરંતુ પેટ્રોલિયમ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ અંગે સહમતિ બનવાની સંભાવના નહીવત છે. રાજ્યોની કમાણીનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ ઉત્પાદનો અને શરાબ પરની વેટની આવક છે અને તે હજારો કરોડમાં થાય છે અને જો પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ આવે તો રાજ્યોને તેની કમાણીનો મોટો હિસ્સો ગુમાવવો પડે જે માટે રાજ્યો તૈયાર થશે તેવું હું માનતો નથી.





