ભાવનગરમાં જુના બંદર રોડ વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં ગત મોડી રાત્રિના સમયે વિકરાળ આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલાએ સતત ૧૨ કલાક સુધી પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે પાણી સપ્લાય માટે ખાનગી ટેન્કરોનો સહારો લેવો પડ્યો હતો.
આ ઘટના અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના જુના બંદર રોડ પર આવેલ આસિફભાઈ ખલીફાના પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં ગત રાત્રિના ૧૨ વાગ્યા આસપાસ કોઈ કારણોસર આગ લાગતા પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો ભાગની લપેટમાં આવી ગયો હતો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગની આ ઘટના અંગે ભરતભાઈ નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ કાફ્લો પાંચ ફાયર ફાઇટર અને બ્રાઉઝર સાથે બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગ બૂઝાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડ ટીમે સતત ૧૨ કલાક સુધી બે લાખ લિટરથી વધુ પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને બૂઝાવવા માટે પાણીના ખાનગી ટેન્કરો મંગાવવા પડ્યા હતા.
આગની આ ઘટનામાં ગોડાઉનમાં રાખેલ પ્લાસ્ટિક વેસ્ટનો સામાન ભસ્મીભૂત થઈ ગયો હતો. ફાયર બ્રિગેડ સ્ટાફે સમય સૂચકતા વાપરી બાજુમાં આવેલ પશુ આહાર અને કેમિકલના ગોડાઉનમાં આગ પ્રસરતી અટકાવી હતી. આગની આ ઘટનામાં વ્યાપક નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે.