ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી રાજકીય પક્ષો માટે પડકારો લઈ આવી છે, મફતની રેવડીની જાહેરાત સાથે વિકાસના દિવા સ્વપ્ન મતદારોને બતાવવામાં આવી રહ્યા છે તો સાથે આધુનિકતા કદમ મિલાવી દરેક મતદાર સુધી પહોંચવા રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો ટ્રેન્ડ બદલ્યો છે. ધ્વજા, પતાકાઓ ઉપરાંત હોડિંગ્સ, રિક્ષા ફેરવવી સાથે જાહેર સભા વિગેરે પ્રચાર માધ્યમોમાં હવે સોશિયલ મીડિયાનો ઉમેરો થયો છે.

તો યુવા મતદારોને ખાસ ધ્યાને લઈ ભાજપે મહારાષ્ટ્રથી યુવા કલાકારોની ટીમ ઉતારી છે. ‘ યુથ વિથ ન.મો ‘ બેન્ડ ટીમ ભાવનગરના સર્કલો, જાહેર સ્થળોએ સંગીતના સૂર રેલાવી ન.મો અને ભાજપ શાસનના ગુણગાન ગીત સ્વરૂપે રજૂ કરી રહી છે, આ નવીનતમ પ્રચારે જોણું કર્યું છે.

ભાજપે જાદુગરને પણ મતદારોનું મનોરંજન કરવા કામ સોંપ્યું છે, જાદુગર દ્વારા જાહેર સ્થળોએ જાદુના પ્રયોગ કરી ભાજપને મત આપવા અપીલ થશે.! જ્યારે ભાજપના કેટલાક કાર્યકર્તા કેસરિયા સ્કૂટર સાથે ભાજપનો પ્રચાર કરી રહ્યા છે, આમ પ્રચાર પ્રસારનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.





