અઢ્ઢી વર્ષ પૂર્વે ભાવનગર નજીકના માલણકા ગામે હાથ ઉછીના આપેલા નાણાની ઉઘરાણી કરતા બે ભાઈઓએ છરીઓના ઘા ઝીંકી આધેડની કરેલી હત્યાનો કેસ ભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા બન્ને શખ્સોને હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવી ડિસ્ટ્રીકટ જજ પીરઝાદાએ આજીવન કેદની સજા ફટકારી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૩૦-૫-૨૦૨૦ના રોજ રાત્રીના સમયે માલણકા ગામે રહેતા રમેશભાઈ મનજીભાઈ બારૈયાની છરીઓના ઘા ઝીંકી તે જ ગામના નિલેશ ગીગા બારૈયા તથા નિતેશ ગીગા બારૈયાએ હત્યા કરી હોવાની ફરીયાદ રમેશભાઈના પુત્ર હિતેશભાઈએ વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો સાથે ગુનો નોંધી બન્ને શખ્સોની અટકાયત કરેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ રમેશભાઈએ ગીગાભાઈને રૂા. ૫૦ હજાર હાથ ઉછી આપેલા જેની રમેશભાઈ ઉઘરાણી કરતા ગિગાભાઈના પુત્રોને પસંદ ન હોય તેમણે રમેશભાઈની છરીઓના ઘા ઝીકી હત્યા કરેલ આ બનાવ અંગેનો કેસ ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકિલ ધ્રુવભાઈ મહેતાની દલિલો સાક્ષી પુરાવા વિગેરે ગ્રાહ્ય રાખી નિતેષ તથા નિલેશને કસુરવાર ઠેરવી ડિસ્ટ્રીકટ જજ એલ.એસ.પીરઝાદાએ આજીવન કેદની સજા ફટકારી હતી.