જિલ્લામાં એવો દુષકર્મનો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને બધામાં જ રોષ વ્યાપી ઉઠે. પંચમહાલનાં હાલોલમાં કૌટુંબિક દાદાએ જ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવી રહ્યુ છે. સોમવારે રાતે પાંચ વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી. જેના થોડા કલાકો બાદ તેનો મૃતદેહ ઘરથી થોડે દૂરની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. આ માસુમ સાથે કાંઇક અઘટિત બન્યાનું જણાતા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુ. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી કે, બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ ગળે ટુંપો દઇને તેની હત્યા કરવામાં આવી છે. જોકે, પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને આ ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે, હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામની એક 4 વર્ષીય બાળકી બપોરથી ગુમ હતી. પરિવારજનોએ મોડી સાંજ સુધી બાળકીની શોધખોળ કરતા બાળકી ન મળતા પરિવારજનો ચિંતા મુકાયા હતા. એવામાં જ પોતાના ઘર પાછળના જંગલ વિસ્તારમાં બાળકીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હોવાનું જાણી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બીજી તરફ ગામમાં ચારેકોર એવી અફવા ફેલાઈ ગઇ હતી કે, નજીકના લાકડાના ગોડાઉનમાં કામ કરતા કોઈ પર પ્રાંતિયએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાખી છે. આ અફવાને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ લાકડાનાં ગોડાઉનને આગ લગાવી દીધી હતી. નાનકડા ગામમાં ઘટનાને પગલે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
અતિ ગંભીર ઘટનાને પગલે એલસીબી ટીમે તપાસનો દોર હાથમાં લેતા ગણતરીના કલાકોમાં જ ગંભીર અને નિંદનીય ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. તપાસમાં માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કરનાર જે પિશાચી આરોપી સામે આવ્યો તે જોઈને પોલીસ સહિત સમગ્ર વિસ્તાર ફિટકારની લાગણી સાથે અચંબિત હતો. કારણ કે, બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર બીજુ કોઈ નહીં પરંતુ તેનો કૌટુંબિક દાદો જ હતો.
પોલીસે આરોપી કૌટુંબિક દાદાની અટકાયત કર્યા બાદ, હેવાન દાદા પાસેથી જે હકીકત જાણવા મળી છે તે પણ એટલી જ ચોંકાવનારી અને ધૃણાસ્પદ છે. ચાર વર્ષની માસૂમ પૌત્રીને તેના જ કૌટુંબિક દાદાએ બિસ્કિટની લાલચ આપી ઘરના પાછળના ભાગે આવેલા જંગલ અને ઝાડી ઝાંખરા વિસ્તારમાં લઇ દુષ્કર્મ આચર્યું હતુ. પિશાચી દાદાએ માસૂમ બાળકીને પિંખી નાખી હતી. ડઘાઈ ગયેલી માસૂમ બાળકી જંગલમાં ચીસાચીસ કરી રહી હતી.
દર્દથી કણસી રહેલી માસૂમ બાળકી રડી રહી હતી પણ સાંભળનાર કોઈ જ નહોતું. બીજી તરફ કુકર્મ આચર્યા બાદ પિશાચી દાદાને ભાન થયું કે, બાળકીની જે હાલત તેને કરી છે તેનાથી તો પરિવારજનો ખબર પડી જશે. તે ડરે પીડિત માસૂમ બાળકીને દોરી જેવા જંગલી વનસ્પતિના વેલાથી ગળું ટુંપી ઠંડા કલેજે હત્યા કરી નાખી. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી દાદાની ધરપકડ કરી લઈ બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની મેડિકલ કાર્યવાહી સહિતની તપાસ હાથ ધરી છે.





