ખરીફ સીઝનના મગફળીના બમ્પર ઉત્પાદનથી તળાજા માર્કેટિંગ યાર્ડમાં દૈનિક સરેરાશ 5 થી 6 હજાર ગુણીની આવક થઈ રહી છે તો મહુવા યાર્ડમાં 10થી 11હજાર ગુણીની આવક થતાં આવક સામે જાવક પ્રમાણમાં ઓછી રહેતા બંને યાર્ડમાં મગફળી ઉતારવા જગ્યાનો અભાવ ઉભો થયો છે આથી તળાજામાં આજે સાંજથી અને મહુવામાં 20મી પછીથી મગફળી ઉતારવા દેવા નિર્ણય લેવાયો છે.
તળાજા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા પખવાડિયાથી મગફળીની સતત આવક શરૂ રહેતા યાર્ડના મેદાનમાં મગફળીના ઢગલા થઇ ગયા છે અને માર્કેટયાર્ડ દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે ખેડૂતોને યાર્ડ દ્વારા મળતી સૂચના મુજબ મગફળી ન લાવવા માટે વારંવાર સૂચના આપવી પડે છે. હાલ બે દિવસથી હરરાજી દ્વારા હજારો ગુણી ખરીદીની પ્રક્રિયા છતાં યાર્ડ સંકુલમાં મગફળીનો ભરાવો શરૂ રહેતા તા. 16 ને બુધવાર સાંજ સુધી ખેડૂતોને હરરાજી માટે મગફળી ન લાવવા ફરી તાકીદ કરવામાં આવેલ છે. વર્તમાન સમયમાં સારી ક્વોલિટીની મગફળીના વિક્રમ સર્જક ભાવ મળતા હોવાથી અને ખેડૂતોના ખળામાં મગફળીનો જથ્થો તૈયાર હોવાથી ખેડૂતો રોકડી કરી લેવાના મુડમાં છે.
જયારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના સારા ભાવ આવતા ખેડૂતોએ પણ મગફળી વેચવા કાઢી છે અને છેલ્લા એક સપ્તાહથી દિન પ્રતિદિન આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે મગફળીનું વેચાણ માટે 11000 ગુણીની કેપેસિટી છે તેની સામે છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 15000 થી 18000 ગુણીની આવક થઈ રહી છે આ કારણે યાર્ડમાં મગફળી ઉતારવાની જગ્યા બચી નથી. સોમવારે એક સાથે 20,000 ગુણની આવક થઈ હતી આથી આગામી 20મી સુધી મગફળીની આવક પર રોક લગાવી દેવાઈ છે. જ્યારે ભાવનગર યાર્ડમાં મંગળવારે 5 હજાર ગુણીની આવક નોંધાઇ હતી.
22,772 હેક્ટરમાં ચોમાસુ મગફળીનું થયું છે વાવેતર
તળાજા તાલુકામાં આ વર્ષે 22,772 હેક્ટરમાં ચોમાસુ મગફળીનું વાવેતર થયેલ છે. ઉપરાંત તળાજા માર્કેટિંગ યાર્ડમાં તળાજા તાલુકા ઉપરાંત ઘોઘા, પાલીતાણા, શિહોર તાલુકાના નજીકના ગામોના ખેડૂતો પોતાની મગફળી હરાજી માટે લાવતા હોય છે એટલે દેવદિવાળી પછી મગફળીની આવક વધી જતા તળાજા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા બે અઠવાડિયાથી દૈનિક રીતે સરેરાશ 5000 થી 6000 પોતા ગુણી મગફળી આવવા લાગતા યાર્ડ સંકુલમાં ભરાવો થતા વ્યવસ્થા જાળવવા માટે મગફળીને હરરાજીમાં લાવવા માટે વારંવાર બ્રેક લગાવવી પડે છે.