તળાજા તાલુકાના નાની માંડવાળી ગામની સરપંચની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટવા માટે સમર્થન નહિ આપ્યાની દાઝ રાખી ગામના સાત શખ્સોએ લાકડી,કુહાડી, લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના નાની માંડવાળી ગામમાં સાડા ચાર વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં ગામમાં રહેતા વિજદાનભાઈ બાપાભાઈને બિનહરીફ સરપંચ તરીકે ચૂંટવું હોય,ગામના હર્ષદભાઈ નાનાભાઈ ગઢવીએ તેને સમર્થન ન આપતા વિજદાન અને અન્ય શખ્સો તેની સાથે અવારનવાર ઝઘડો કરી હેરાન કરતા હતા.
ગઈ કાલે આજ બાબતની દાઝ રાખી વિજદાન બાપાભાઈ અને તેના ભાઈઓ ધીરુભાઈ, મધાભાઈ, ગીગાભાઈ,ભત્રીજાઓ કુલદીપ ગીગાભાઈ,યુવરાજ ગીગાભાઈ અને કેસર રાજવીરભાઈ હર્ષદભાઈના ઘરે આવ્યા હતા અને ગાળો આપી લાકડી,કુહાડી,લોખંડનો પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હર્ષદભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ બનાવ અંગે હર્ષદભાઈએ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.