હિજાબ વિવાદને લઈને ઈરાનના અલગ-અલગ શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે. ઈરાનમાં છેલ્લા 2 મહિનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક અથડામણો થઈ છે, જેમાં ડઝન લોકો ઘાયલ થયા છે. ઇરાનના પશ્ચિમી શહેર ઇજેહમાં બુધવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં 5 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે. જ્યારે આ ઘટનામાં 10 લોકો ઘાયલ થયા છે. ઘાયલમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ છે. જોકે હુમલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું અને અત્યાર સુધીમાં કોઈ આતંકવાદી સંગઠને પણ આ હુમલાની જવાબદારી નથી લીધી.
આ ઘટના અંગેની માહિતી આપતા એક ખાનગી ન્યૂઝ ચેનલે જણાવ્યું કે, અજાણ્યા હુમલાખોરો બે મોટરસાઈકલ પર સવાર થઈને શહેરના સેન્ટ્રલ માર્કેટમાં પહોંચ્યા હતા. આ હુમલાખોરોએ પ્રદર્શનકારીઓ અને ત્યાં હાજર સુરક્ષાદળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ખુઝેસ્તાન પ્રાંતના ગવર્નરે જણાવ્યું કે, આ હુમલામાં એક બાળક અને એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે.
ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, કેટલાંક પ્રદર્શનકારીઓ અહીં એકત્ર થયા હતા અને તેઓ સરકાર વિરોધી નારા લગાવી રહ્યાં હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. સ્થાનિક મીડિયાના કહેવા અનુસાર, આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણ પણ થઈ હતી, જેને પોલીસ દ્વારા કાબુમાં લઇ લેવાઇ હતી. જોકે આ જ જગ્યાએ બાદમાં ફાયરિંગ થયું હતું.
આ અગાઉ 26 ઓક્ટોબરના રોજ ઈરાનના શિરાઝ શહેરમાંથી પણ ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં 3 હુમલાખોરોએ ભીડ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના શિયા સમુદાયના પવિત્ર સ્થળ શાહ ચેરાગ ખાતે ઘટી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી હતી.