ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામો જાહેર થયા બાદ વડોદરા જિલ્લા સહિત આસપાસના કેટલાક મત વિસ્તારમાં બળવાની પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યુ છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડેમેજ કંટ્રોલની ટીમ સક્રિય બની છે. જોકે, વડોદરા જિલ્લામાં ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ જતુ હોય તેવું પણ બહાર આવી રહ્યુ છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નારાજ મધુ શ્રીવાસ્તવને વડોદરા એરપોર્ટ બોલાવીને તેમની સાથે બેઠક કરી હતી. મળતી માહિતી પ્રમાણે, સવા કલાકની બેઠક બાદ પણ મધુ શ્રીવાસ્ત્વ માન્યા નથી. બેઠક બાદ મધુ શ્રીવાસ્ત્વે કહ્યુ કે, ‘હું અપક્ષમાંથી ચૂંટણી લડવાનો છું અને હું આવતીકાલે ફોર્મ ભરીશ.’ તો આજે જોવાનું એ રહેશે કે, મધુ શ્રીવાસ્ત્વ આજે શું કરશે? ભાજપનો સાથ આપશે કે વિરુદ્ધમાં જશે.
પાટિલ સાથે સવા કલાકની બેઠકમાંથી બહાર નિકળી મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમના દબંગ તેવર ફરીથી દેખાયા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, “સતીશ નિશાળિયા ભલે માન્યા, હું મધુ શ્રીવાસ્તવ છું. હું અપક્ષ ચૂંટણી લડવાનો છું અને આવતીકાલે ફોર્મ ભરીશ.”
ભાજપનાં બે નેતાઓ અપક્ષ લડશે? ભાજપનાં નારાજ ત્રણ નેતાઓ પૈકી માત્ર સતીશ નિશાળિયા માન્યા હતા. મધુ શ્રીવાસ્તવ અને દિનુમામાને મનાવવામાં ભાજપ નેતાઓ નિષ્ફળ રહ્યા હોવાનું સપાટી પર આવી રહ્યું છે. મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ બંને અપક્ષ તરીકે ચુંટણી લડશે તેવું પણ કહેવામાં આવી રહ્યુ છે.
આપને જણાવીએ કે, બળવો દબાવવા માટે ભાજપે ડેમેજ કંન્ટ્રોલ ટીમ બનાવી હતી. થોડા દિવસ પહેલા વડોદરા અને નર્મદા જિલ્લાના ડેમેજ કંન્ટ્રોલ માટેની જવાબદારીના ભાગરૂપે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત સંગઠનની ટીમે વડોદરા જિલ્લાના વાઘોડિયા, પાદરા, કરજણ તથા નર્મદા જિલ્લાના નાંદોદના આગેવાનોની સાથે ચર્ચા કરી હતી. આ વિસ્તારના બળવાખોર મનાતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયા તથા દીનુમામા સાથે કોઇ જ વાતચીત કરવામાં આવી નથી કે તેઓને વાતચીત માટે બોલાવવામાં આવ્યા ન હોવાનું તેમના સમર્થકો દ્વારા કહેવામાં આવ્યું હતુ. જ્યારે હર્ષદ વસાવાના સમર્થકોનો આક્રમક મિજાજ જોતાં તે વિસ્તારમાં ડેમેજ કંટ્રોલ ટીમે મળવાનું જ ટાળ્યુ હોવાનું જાણવા મળે છે.