દિલ્હીમાં પ્રેમીએ પ્રેમિકાની નિર્મમતાથી હત્યા કરી તેના ટુકડા કરી ફેંકી દેવાની ચકચારી ઘટનાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં લખનૌમાં એક લવ જેહાદના કિસ્સામાં યુવતી પર ધર્માંતરણનું દબાણ કરતા યુવકે ઉશ્કેરાઈને યુવતીને ઘરની છત પરથી ફેંકી દેતા યુવતીનું મોત થયું હતું.
આ અંગેની વિગત એવી છે કે દુબાગાની ડૂડા કોલોનીમાં રહેતો સુફિયાન નામનો યુવક તેની પરિચિત યુવતીની છેડતી કરતો હતો અને તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો. આરોપીએ યુવતીને એક મોબાઈલ ફોન પણ આપ્યો હતો. અને ધર્મ પરિવર્તનનું દબાણ કરતો હતો. મામલાની જાણ થતા યુવતીના પરિવારજનો સુફિયાનના ઘરે પહોંચ્યા હતા. યુવતીના પરિવારજનોએ સુફિયાનની હરકતનો વિરોધ કર્યો તેને લઇને વિવાદ વધી જતા સુફિયાન યુવતીને ચોથા માળે લઇ ગયો હતો.
યુવતીની માનો આરોપ છે કે સુફિયાને તેની દીકરીને ધક્કો મારીને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. તેની ચીસ સાંભળીને ઘાયલ યુવતીને લોહીલુહાણ હાલતમાં ટ્રોમા સેન્ટરે લઇ જવાઇ હતી. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. દરમિયાન સુફિયાન ઘેરથી ફરાર થઇ ગયો હતો. 19 વર્ષીય યુવતી ઘર પાસે બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને તેણે હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હતો. આરોપી સુફિયાન નશો પણ કરતો હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું.