ઈંગ્લેન્ડની ટીમ ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ હવે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની વન-ડે શ્રેણી રમી રહી છે. બન્ને ટીમ વચ્ચે પ્રથમ વન-ડે મુકાબલો એડિલેડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયો હતો. આ મેચમાં મેજબાન ટીમ ઑસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને છ વિકેટે પરાજિત કર્યું છે.
ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ વિખેરાવા લાગી હતી. જો કે ટીમના આક્રમક બેટર ડેવિડ મલાને વિકેટના પતન વચ્ચે એક શ્રેષ્ઠ ઈનિંગ રમતાં 128 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 134 રન બનાવીને ટીમને 287 રન સુધી પહોંચાડી હતી. જો કે ઑસ્ટ્રેલિયાએ 19 બોલ બાકી રાખીને 288 રનના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કાંગારું ટીમના ટોપ ઓર્ડરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ડેવિડ વોર્નર (86 રન), ટ્રેવિસ હેડ (69 રન) અને સ્ટિવ સ્મિથ (80 રન)ની ઈનિંગની મદદથી મેજબાન ટીમે જીત મેળવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની આગલી મેચ ઈંગ્લેન્ડ માટે કરો યા મરો જેવી બની જશે. કાલે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફરી બન્ને વચ્ચે ટક્કર થશે.