ભાવનગર શહેરના જિલ્લાની મળીને સાત વિધાનસભા બેઠકમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમ મુખ્ય ત્રણ પક્ષના મળી 21 ઉમેદવારો પૈકી કયા ઉમેદવારને લડવાનો કેટલો અનુભવ છે તે જોઈએ તો ભાજપના ગારીયાધારના ઉમેદવાર કેશુભાઈ નાકરાણી આ વખતે સાતમી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે તો બીજા ક્રમે ભાવનગર ગ્રામ્યના ઉમેદવાર પરસોતમભાઈ સોલંકી અને મહુવા બેઠક પર ડો. કનુભાઈ કળસરિયા આવે છે. બંને ધુરંધરો આ વખતે છઠ્ઠી વખત વિધાનસભાની ચૂંટણી લડશે. પરસોતમભાઈ અગાઉ સાંસદની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.
ભાવનગર શહેરના જિલ્લાની સાત બેઠકમાં મુખ્ય ત્રણેય પક્ષના 21 ઉમેદવાર પૈકી 12 ઉમેદવાર એવા છે જેઓ પ્રથમ વખત ચૂંટણી લડવાનો અનુભવ કરશે જેમાં અનુક્રમે ભાવનગર પૂર્વમાં ભાજપના ઉમેદવાર સેજલબેન પંડ્યા, કોંગ્રેસના ઉમેદવાર બળદેવ સોલંકી, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હમીર રાઠોડ જ્યારે ભાવનગર પશ્ચિમમાં કોંગ્રેસના કે. કે. ગોહિલ, આમ આદમી પાર્ટીના રાજુ સોલંકી તો ભાવનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના રેવતસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના ખુમાનસિંહ ગોહિલ, પાલીતાણામાં આમ આદમી પાર્ટીના જીણાભાઈ ખેની, ગારીયાધારમાં કોંગ્રેસના દિવ્યેશ ચાવડા, આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી, તળાજા બેઠક પર આમ આદમી પાર્ટીના લાભુબેન ચૌહાણ જ્યારે મહુવા બેઠકમાં આમ આદમી પાર્ટીના અશોક જોળીયા પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે.
ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘાણી ચોથી વખત, પાલીતાણામાં ભાજપના ભીખાભાઈ બારૈયા અને કોંગ્રેસના પ્રવીણ રાઠોડ બીજી વખત, તળાજામાં ભાજપના ગૌતમ ચૌહાણ અને કોંગ્રેસના કનુભાઈ બંને બીજી વખત જ્યારે મહુવા બેઠક પર શીવાભાઈ ગોહિલ ચોથી વખત ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપ, કોંગ્રેસ અને આપના 21 ઉમેદવારોમાં કોનો કેટલો અભ્યાસ, કોની પાસે કેટલી મિલ્કત… આ રહી વિગત…
