દેશમાં સાંસદો તથા ધારાસભ્યો સામે અપરાધો-ગુનાઓની સંખ્યા સતત વધી રહી છે. નવેમ્બર-2022 સુધીમાં ઉતરપ્રદેશમાં રાજકીય મહાનુભાવો સામે સૌથી વધુ 1377 કેસ નોંધાયા હતા. કોર્ટ મિત્ર દ્વારા સર્વોચ્ચ અદાલતને સોંપાયેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
કોર્ટ મિત્ર એવા સીનીયર વકિલ વિજય હંસારીયા તથા સ્નેહા કલિતાએ સુપ્રીમકોર્ટને સોપેલા રિપોર્ટ પ્રમાણે ઉતરપ્રદેશમાં 1377, બિહારમાં 546 તથા મહારાષ્ટ્રમાં 482 કેસ નોંધાયા છે. ડિસેમ્બર 2018માં સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધના પેન્ડીંગ કેસોની સંખ્યા 4122 હતી તે ડિસેમ્બર 2021માં વધીને 4974 તથા નવેમ્બર 2022માં 5097 થઈ છે.
આ પુરક રિપોર્ટમાં, જો કે રાજસ્થાન, ઉતરાખંડ, જમ્મુ-કાશ્મીર તથા લડાખના પડતર કેસો સામેલ કરાયા નથી. કારણ કે ત્યાના આંકડા ઉપલબ્ધ નથી. વર્તમાન તથા પુર્વ સાંસદો-ધારાસભ્યો વિરુદ્ધના કેસોની તાત્કાલીક સુનાવણી કરવાની જાહેર હિતની અરજી વિશે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી છે તે પુર્વે કોર્ટ મિત્ર દ્વારા રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં એમ કહેવાયુ છે કે, રાજકીય મહાનુભાવો સામેના પેન્ડીંગ પૈકીના 41 ટકા કેસ પાંચ વર્ષ જુના છે. કાયદાના ઘડવૈયાઓ વિરુદ્ધના કેસો ઝડપી બનાવવા માટે અદાલતે સમયાંતરે વચગાળાના આદેશો જારી કર્યા જ છે. પાંચ વર્ષ જુના પેન્ડીંગ કેસો વિશે રાજયવાર આંકડા ચકાસવામાં આવે તો ઓડીશામાં 71 ટકા કેસો પાંચ વર્ષ જુના છે. બીજા ક્રમે બિહારમાં 69 ટકા કેસ તથા ઉતરપ્રદેશમાં બાવન ટકા કેસો પાંચ વર્ષ જુના છે. મેઘાલયમાં રાજકીય મહાનુભાવો વિરુદ્ધ માત્ર ચાર કેસ છે અને તે તમામ પાંચ વર્ષ જુના હોવાથી ટકાવારીમાં સામેલ કરાયા નથી.
આ પુર્વે કોર્ટ મિત્ર દ્વારા 14મી નવેમ્બરે પોતાનો 17મો રિપોર્ટ સોંપ્યો હતો અને તેમાં એવો ખુલાસો કર્યો હતો કે 51 વર્તમાન સાંસદો સામે એનફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઈડી) દ્વારા મની લોન્ડરીંગના ગુના દાખલ થયા છે એટલું જ નહીં આટલી જ સંખ્યાના સાંસદો સીબીઆઈ તપાસનો પણ સામનો કરી રહ્યા છે. 71 ધારાસભ્યો સામે પીએમએલએ કાયદા હેઠળના ગુના છે.