ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠક પર ચૂંટણી વિભાગ દ્વારા કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સોમવારે ઈવીએમ પ્રીપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈવીએમ પર મતપત્રો લગાડવા,ચૂંટણી ચિન્હો અંકિત કરવી, નંબરિંગ કરવું સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
આશરે ૩ દિવસે પ્રીપરેશન કામગીરી ચાલશે, બેલના ૧૪ એન્જીનીયર અને રાજકીય પક્ષના સભ્યોની હાજરીમાં ૧૫૦ થી વધુ કર્મચારી કામગીરી કરનાર હોવાનું જાણવા મળ્યું છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૧ ડિસેમ્બરે યોજાનાર છે. આ ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે તેથી ચૂંટણી વિભાગે ઈવીએમ તૈયાર કરવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે. ચૂંટણી માટે ૭૦,૯૬૦ મતપત્ર છપાવવામાં આવ્યા છે, જેમાંથી ૨૪૩૧ બેલેટ યુનીટ અને ૨૪૩૧ કન્ટ્રોલ યુનીટ પર મતપત્રો લગાડવામાં આવશે. આશરે ત્રણ દિવસ સુધી ઈવીએમ પ્રીપરેશનની કામગીરી શરૂ રહેશે. સાતેય વિધાનસભા બેઠક પર ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, મહુવા અને ગારિયાધાર વગેરે બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર ૨૪૩૧ ઈવીએમના પ્રીપરેશનની કામગીરી થનાર છે