વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્યના ભાજપના ઉમેદવારના સમર્થનમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જાહેર સભા કરવા માટે ભાવનગર આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લઇને સુરક્ષા ટીમ એનએસજી કમાન્ડો આજે ભાવનગર આવી પહોંચ્યા હતાં. જ્યારે ભાવનગર પોલીસ તંત્ર પણ ઝડબેસલાક વ્યવસ્થામાં ગોઠવાઇ ગયું છે.
કાલે સાંજે ૬ કલાકે ચિત્રા સ્થિત સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન ચૂંટણીની જંગી જાહેર સભા કરશે. જેને સફળ બનાવવા શહેર અને જિલ્લા ભાજપનું સંગઠન તૈયારીમાં જાેતરાઇ ગયું છે. સભા સ્થળે વિશાળ ડોમ અને ખુરશીઓ ગોઠવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં ૭ પૈકી તળાજાને બાદ કરતા તમામ ૬ બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો ત્યારે ભાજપનો ગઢ જાળવી રાખવા વડાપ્રધાન મોદી પ્રચાર-પ્રસાર કરશે. ખાસ કરીને આ વખતે ભાવનગર પશ્ચિમમાં કશ્મકશ જણાઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાનની આ સભા માટે પશ્ચિમ વિસ્તારની પસંદગી કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. (તસવીર: મૌલિક સોની)