બોગસ બીલિંગ પ્રકરણમાં ભાવનગર એલ.સી.બી.એ સેન્ટ્રલ અને સ્ટેટ જી.એસ.ટી.ના બે અધિકારીઓની ધરપકડ કરી તેમને વલભીપુર કોર્ટમાં રજૂ કર્યા હતા અને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ કારોબારમાં જી.એસ.ટી. વિભાગના અન્ય કોઈ અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.આ બન્ને અધિકારીઓ પોલીસ સમક્ષ કેવા વટાણા વેરશે તેને લઈને જી.એસ.ટી.વિભાગના અન્ય અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.
ભાવનગરના અમદાવાદ શોર્ટ રોડ પર આવેલ નિરમા ચોકડી નજીકથી થોડા દિવસ પહેલા એલ.સી.બી.એ લોખંડ ભરેલો ટ્રક કબજે કરી બોગસ બીલિંગનું કૌભાંડ ઉજાગર કર્યું હતું અને બોગસ બીલિંગનો કારોબાર કરતા ભાવનગરના બે વેપારી સહિત છ ઈસમોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આ ઇસમોની પૂછપરછ દરમિયાન સ્ટેટ જી.એસ.ટી. અને સેન્ટ્રલ જી.એસ.ટી.ના બે અધિકારીઓ નીરજ મીના અને પ્રિતેશ દુધાતની સંડોવણી ખૂલતા એલ.સી.બી.એ બંને અધિકારીઓની ધરપકડ કરી વલભીપુર કોર્ટમાં રજૂ કર્યા હતા અને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
બોગસ બીલિંગના કારોબારમાં જી.એસ.ટી. વિભાગના અન્ય અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ ? તે ઉપરાંત આ કારોબારમાં અન્ય ઈસમો સંડોવાયેલા છે કે કેમ ? તે સહિતના પાસાઓ અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન આ બંને વહીવટિયા અધિકારીઓ પોલીસ સમક્ષ કેવા વટાણા વેરશે તેને લઈને ગઈ.એસ.ટી.વિભાગના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.