ભાવનગર જિલ્લાની સાત સહિત ગુજરાત રાજ્યની ૮૯ બેઠકો ઉપર આગામી તારીખ ૧ ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થનાર છે ત્યારે હજુ ભાવનગર જિલ્લામાં કે શહેરમાં ચૂંટણીનો માહોલ જાેઈએ તેટલો જામતો નથી મતદારો નીરસ હોય તેવું લાગી રહ્યું છે.
ભાવનગર જિલ્લાની સાત બેઠક માટે ૬૬ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર છે આ તમામ ઉમેદવારો પોતાના પક્ષના આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે જ્યારે અપક્ષો પણ પોતાની રીતે ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગયા છે. મુખ્ય પક્ષો એવા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાના નેતાઓની જાહેર સભાઓ પણ યોજવામાં આવી રહી છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ લોકોમાં હજુ ચૂંટણી પ્રત્યે ઉદાસીનતા હોય તેવું જણાઈ રહ્યું છે તંત્ર દ્વારા પણ મતદારોને જાગૃત કરવા માટે વિવિધ કેમ્પેઇન કરવામાં આવી રહ્યા છે અને મતદાન એ આપણી ફરજ અને જવાબદારી હોવાનું ભાન કરાવી રહ્યા છે.
આ વખતે માઇક રીક્ષા દ્વારા ઉમેદવારોનો પ્રચાર નહીવત છે. અને ઉમેદવારોના ચૂટણી કાર્યાલયોમા પણ પાખી હાજરી સાથે નિરસતા જાેવા મળી રહી છે. ઉમેદવારો દ્વારા હવે પ્રચારની પધ્ધતિ બદલી હોય તેમ વિવિધ સમાજ સાથે મિટીગો કરવામાં આવી રહી છે. અને ગ્રામ્ય પંથકોમાં પણ મિટીંગ અને સભા કરવામાં આવી રહી છે. પરંતુ અગાઉની જેમ જ્યાં જુઓ ત્યાં ચૂંટણીની ચર્ચા ચાલતી હોય તેવો માહોલ હજુ ચૂંટણીને એક અઠવાડિયુ બાકી હોવા છતાં શહેરમાં જાેવા મળતો નથી.