ભાવનગર પશ્ચિમ મત વિધાનસભામાં ભાજપમાંથી કેબીનેટ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી ચૂંટણીના મેદાનમાં છે અને પ્રચાર-પ્રસાર પુરજાેશમાં ચાલી રહ્યો છે. ત્રણ દિવસ પૂર્વે વડાપ્રધાન મોદી જાહેર જંગી સભા કરીને ગયા બાદ કોંગ્રેસ અને આપની છાવણીમાં રિતસર સોપો જાેવા મળી રહ્યો છે. બીજી બાજુ કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમભાઇ સોલંકીએ આજે જીતુભાઇના સમર્થનમાં જંગી જાહેર સભા કરી તેમને જંગી બહુમતીથી જીતાડવા કોળી સમાજ અને અન્ય તમામ સમાજના મતદારોને લાગણીપૂર્વક અપીલ કરી હતી. આમ, પશ્ચિમ વિધાનસભામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં જબ્બર માહોલ બનતો જાય છે.
છેલ્લા ૧૦ વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના ધારાસભ્ય વાઘાણીની લોકપ્રિયતા અને કાર્યપધ્ધતિ તથા કર્તવ્યનિષ્ઠાના પગલે ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત ટિકીટ આપી ઉમેદવાર બનાવ્યા છે અને ખુદ વડાપ્રધાન મોદી પણ જીતુભાઇની જીત નિશ્ચિત કરવા ત્રણ દિવસ પહેલા સભા કરી ચુક્યા છે ત્યારે કોંગ્રેસ અને આપ ઉપરાંત અન્ય અપક્ષોની ઉમેદવારીથી મતનું ધ્રુવીકરણ કરવાના પ્રયોગને માત મળી છે તેમ કહેવામાં ખોટું નહીં ગણાય ! આ વિસ્તારમાં કોળી મતદારોની સંખ્યા પણ બહુમત છે અને જીતુભાઇની જીતમાં અન્ય સમાજની સાથે કોળી મતોનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે ત્યારે પરસોત્તમભાઇ સોલંકીએ આજે જીતુભાઇ વાઘાણીના સમર્થનમાં શહેરના દેસાઇનગર ખાતે જંગી જાહેર સભા કરી હતી અને જીતુભાઇને જંગી લીડથી જીતાડવા લાગણીસભર અપીલ કરી હતી.
કોળી સમાજ પ્રત્યે પરસોત્તમભાઇનું સમર્પણ અને વર્ચસ્વ જગજાહેર છે. ‘ભાઇ’નું વેણ આજસુધી સમાજે ઉથાપ્યું નથી ત્યારે પરસોત્તમભાઇની આજની સભાથી પશ્ચિમ મત ક્ષેત્રમાં જીતુભાઇ અને ભાજપનો ગઢ વધુ મજબુત થઇ ગયાનું રાજકીય પંડીતોનું માનવું છે. કોળી સમાજના ભાજપના કમિટેડ વોટ તોડવા માટે અન્ય પક્ષના થઇ રહેલા પ્રયાસો પર પરસોત્તમભાઇની આજની સભાથી પૂર્ણવિરામ મુકાઇ ગયાનું રાજકીય પંડીતોનું ગણિત છે. પરસોત્તમભાઇએ આજની સભામાં જીતુભાઇ વાઘાણી અને ભાજપને જીતાડવા અપીલ કરતા જણાવ્યું હતું કે, જીતુ વાઘાણી મારો નાનો ભાઇ છે, તેની જીતમાં મારી ઇજ્જત સમાયેલી છે. ભાજપને મતદાન કરી મારી જાેળીમાં ‘કમળ’નું દાન આપજાે. ‘ભાઇ’એ વધુમાં લાગણીસભર રીતે જણાવ્યું હતું કે, જીતુભાઇને મત એટલે પરસોત્તમ સોલંકીને મત આપ્યાનું માની લેજાે. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પણ શહેરની પૂર્વ અને પશ્ચિમ બેઠકના ઉમેદવારો સાથે પરસોત્તમભાઇ પુરા દિલથી રહ્યા હતા અને જીતમાં મુખ્ય પરિબળ બન્યા હતાં.