કેન્દ્ર સરકાર વ્યક્તિના જન્મથી લઈને તે પુખ્ત વયનો થાય ત્યાં સુધી અને મૃત્યુ પામે ત્યાં સુધીના માનવીય હસ્તક્ષેપ વગરનો ડેટાબેઝ એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર તૈયાર કરવા જઈ રહી છે. આ ડેટાબેઝ મુજબ સરકારી નોકરી માટે જન્મ પ્રમાણપત્રને જરૂરી દસ્તાવેજ બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આમ સરકાર 120 કરોડ નાગરિકોના નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ને નવો ઓપ આપી રહી છે. હાલમાં આટલી વ્યક્તિઓનો ડેટાબેઝ છે, પરંતુ તે વર્તમાન પરિસ્થિતિ સાથે સુસંગત નથી અને જોઈએ તેટલી ઝડપથી અપગ્રેડ થતો નથી તે હકીકત છે. સરકાર હવે 140 કરોડ નાગરિકોનો ડેટાબેઝ બનાવવાની દિશામાં કાર્યરત છે.
સરકારે જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ 1969માં સંશોધન માટે એક ડ્રાફ્ટ માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેમા શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ,વોટરલિસ્ટમાં નામ સામેલ કરવા, સરકારી નોકરી, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જાહેર કરવા સહિતની કેટલીક સુવિધા જન્મ પ્રમાણપત્રને જરૂરી બનાવવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. કાયદા હેઠળ હજી પણ જન્મ અને મૃત્યુની નોંધણી કરાવવી જરૂરી છે અને તેનો ભંગ કરનાર પર દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. હવે સરકાર આ રજિસ્ટ્રેશનની મૂળભૂત સગવડો સાથે જોડીને તેનું અમલીકરણ વધારે પ્રભાવશાળી બનાવવા માંગે છે.
1969ના કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ ગૃહમંત્રાલયે તૈયાર કર્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે સ્થાનિક રજિસ્ટ્રાર તરફથી જાહેર જન્મ પ્રમાણપત્રને જન્મની તારીખ અને સ્થળ બતાવવા સિવાય લગ્નની નોંધણી, મતદાર યાદી તૈયાર કરવા, સરકારી નોકરી અને પાસપોર્ટ વગેરે જાહેર કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. આ ખરડાને સાતમી ડિસેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.
દેશમાં જન્મ-મૃત્યુની નોંધણી 100 ટકાએ પહોંચાડવાનો લક્ષ્યાંક
આ કાયદા મુજબ બધી હોસ્પિટલ અને તબીબી સંસ્થાઓએ મૃત્યુ પ્રમાણપત્રની નકલો અને મૃત્યુનું કારણ સંબંધીઓ તેમજ સ્થાનિક રજિસ્ટ્રારને આપવું પડશે. કેન્દ્રીય સ્તરે સંગ્રહિત જન્મ અને મૃત્યુના સંપૂર્ણ ડેટાને કોઈપણ પ્રકારના માનવ હસ્તક્ષેપ વગર અપડેટ કરવામાં આવશે. તેમા કોઈપણ વ્યક્તિ 18 વર્ષનો થાય કે તરત જ તેનું નામ મતદાર યાદીમાં સામેલ થશે અને મૃત્યુ થતાં જ કાઢી નાખવામાં આવશે.સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ)ના રિપોર્ટ મુજબ દેશમાં જન્મ અને નોંધણીના સ્તરમાં વધારો થયો છે. 2010માં આ ટકાવારી 82 ટકા હતી જે 2019માં વધીને 92.7 ટકા થઈ છે. સરકાર હવે પૂરેપૂરુ એટલે કે 100 ટકા રજિસ્ટ્રેશનનું લક્ષ્યાંક ધરાવે છે.






