ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ વાઘાણીના સમર્થનમાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા આવ્યા હતા ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજની વિશાળ હાજરીમાં યોજાયેલ આ જાહેર સભામાં તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, જે સરદાર પટેલે ભારતને એક કર્યું તેની વિશાળ પ્રતિમા જ્યાં ઉભી છે ત્યાં જ આ ભારતના મહાન રાજવીઓના બલિદાન અને શોર્યને યાદ કરતું મ્યુઝિયમ બનાવવાનું કાર્ય ભાજપે કર્યું છે.




વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્ષત્રિય સમાજ અને ભારતના રાજવીઓની જે ખેવના કરી છે, તેમને માન સન્માન આપ્યું છે તે અગાઉ કોઈએ આપ્યું નથી તેમ કહી તેમણે જણાવ્યું કે, રાજવીઓને મળતા સાલીયાણા તે સમયની સરકારમાં બંધ થયા તેની પાછળ તત્કાલીન વડાપ્રધાનને રાજવી કરતા ઓછું માન મળ્યાની ઘટના કારણભૂત હતી.
ભાવનગર તે દેવભૂમિ છે જેના રાજવીએ દેશની રાષ્ટ્રની સૌથી પહેલી દરકાર કરી હતી અને આ ભૂમિ ભાજપનો ગઢ રહ્યો છે છે અને રહેશે આમ કહી પ્રદિપસિંહ વાઘેલાએ જીતુભાઈ વાઘાણી તે તમારા લોકલાડીલા નેતા ભાવનગરનું ઘરેણું તો છે જ સાથે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરતી અમારી ભાજપ સરકારનું પણ એક ગૌરવ છે અને આજે હું તેમને શુભેચ્છા જ નહીં પરંતુ વિજય બની ચૂક્યાના આગોતરા અભિનંદન દેવા માટે આવ્યો છું તેમ ઉમેર્યું હતું.
આ જાહેર સભામાં પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ – પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા રાજેન્દ્રસિંહ રાણા, ક્ષત્રિય આગેવાનો તથા અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.