ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના જસરાનામાં ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાનમાં આગ લાગતા એક જ પરિવારના 6 લોકો જીવતા સળગી ગયા હતા. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ભાગદોડ મચી હતી. આ અંગેની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીમારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
ફિરોઝાબાદના એસપી આશિષ તિવારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના જસરાના પાઢમ વિસ્તારમાં બની હતી. અહીં એક ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેણે વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જેમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે. ફિરોઝાબાદ દુર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. આ સાથે સીએમ યોગીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.