વિધાનસભાની ચૂંટણી આડે માત્ર 48 કલાક જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો, ઉમેદવારો સાથે તંત્રની પણ દોડધામ વધી ગઈ છે. પ્રચાર પ્રસારના પડઘમ શાંત થવા પૂર્વે રાજકીય પક્ષો દ્વારા જ્યાંને ત્યાં ગેરકાયદેસર બેનર, હોર્ડિંગ અને ધજા પતાકા લગાવી દીધા છે. જેથી તંત્ર વાહકો સતત રાજકીય પ્રચારને દૂર કરવામાંથી ઊંચા આવતા નથી. ભાવનગર શહેરમાંથી જ 7500 થી વધુ બોર્ડ, પોસ્ટર હટાવ્યા હતા.




વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ જાહેર માર્ગો કે અન્ય વિસ્તારોમાં રાજકીય પોસ્ટર, બેનર, પેઇન્ટિંગ સહિતનું પ્રચાર પ્રસાર માટે લગાવવા માટે સ્થાનિક તંત્ર અથવા તો મહાનગરપાલિકાની મંજૂરી આવશ્યક હોય છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો દ્વારા શહેરની જુદી જુદી જાહેર જગ્યાઓ પર બોર્ડ બેનર પોસ્ટર માટે મંજૂરી લીધાના અઠવાડિયા બાદ રાજકીય પ્રચાર શરૂ કર્યો હતો. પક્ષ અને તમામ પક્ષો દ્વારા તદ્દન હંગામી ધોરણે 552 બોર્ડ અને કમાન સહિતની મંજૂરીઓ લીધી છે.
પરંતુ સામાન્ય પબ્લિકની પણ નજરે ચડે તેમ મંજૂરી લીધાના ત્રણ ચાર ગણા વધુ તો ગેરકાયદેસર બોર્ડ, બેનર, હોર્ડિંગ લગાવી દીધા હોય છે. અને ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા કે રેલીનું આયોજન હોય ત્યારે તો આયોજનનું સ્થળ ગેરકાયદેસર ધજા પતાકા, કમાન, હોર્ડિંગ, બેનર સહિતના પ્રચાર સાહિત્યથી રંગી દીધું હોય છે. છતાં તંત્રના બંધાયેલા હાથને કારણે તત્કાલીન સમયે તે વિસ્તારમાંથી ગેરકાયદેસર પ્રચાર સાહિત્ય હટાવતા નથી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તંત્ર ગેરકાયદેસર રાજકીય પ્રચારને દૂર કરવા કામે લાગે છે.