રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે.
ખંભાળિયા બેઠક પર ખરાખરીનો જંગ
ખંભાળિયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના CM પદના ચહેરા ઇસુદાન ગઢવીએ ચૂંટણી જંગમાં ઝંપલાવતા સૌ કોઇની આ સીટ પર મીટ માંડીને બેઠાં છે. મુસ્લિમ, આહીર, સતવારા અને ગઢવી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ સીટ પર બે આહિર અને ગઢવી વચ્ચે જંગ છે. કારણ કે ભાજપમાંથી પૂર્વ મંત્રી મૂળુ બેરા અને કોંગ્રેસમાંથી વિક્રમ માડમ ચૂંટણી લડી રહ્યાં છે.
ગોંડલ બેઠક પર જામશે રસપ્રદ જંગ
ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ગોંડલ વિધાનસભા સીટ ચર્ચામાં આવી ગઇ છે. કારણ કે આ સીટ પરથી બે ક્ષત્રિય દિગ્ગજો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામસામે મેદાનમાં છે. સૌ પહેલા ભાજપમાંથી પોતાના પુત્ર માટે ટિકિટ લેવા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામસામે આવી ગયા હતા. પરંતુ ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી. આથી જયરાજસિંહનો હાથ ઉપર રહ્યો. ચૂંટણી જાહેર થયા બાદ પ્રચારના અંતિમ દિવસોમાં જયરાજસિંહે અનિરુદ્ધસિંહ અને તેમના પિતાનું નામ લઈને ખૂબ આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે તેનો જવાબ આપવા ગોંડલ સીટ પૂરતો કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.
કુતિયાણા બેઠક પર કાંધલ જ કિંગ?
કુતિયાણા બેઠક પર 2012થી સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા ચૂંટાતા આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ છે. ભાજપે મેર જ્ઞાતિના અને કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે NCPએ કાંધલને ટિકિટ ન આપતા તેઓએ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જ્યારે કોંગ્રેસે નાથાભાઈ ઓડેદરાને ટિકિટ આપી છે. આથી આ બેઠક પર ત્રણેય મેર વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામશે.
વરાછા પડકારજનક બેઠક
વરાછા બેઠકને પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર માનવામાં આવે છે. કારણ કે આ બેઠક પર અંદાજે દોઢ લાખ કરતાં વધારે પાટીદાર મતદારો છે. અહીં AAPએ PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે કુમાર કાનાણીને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે પ્રફુલ તોગડિયાને ટિકિટ આપી છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ગઈ વખતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરા સામે કુમાર કાનાણીનો 13 હજારથી વધુ મતથી વિજય થયો હતો. પરંતુ આ વખતે અલ્પેશ કથીરિયાએ ખુલ્લેઆમ પોતાની જીતનો દાવો કર્યો છે. ત્યારે ભાજપ માટે આ વખતે સુરતની આ બેઠક એક પડકારજનક બેઠક કહી શકાય. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે આ સીટ પરથી કોણ બાજી મારે છે અને કોણ ઘરભેગું થશે.