ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકોનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. કેટલીક બેઠકો પર મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો કેટલીક બેઠકો પર ધીમી ગતિએ મતદાન થયું છે. એક તરફ હાલ ચારેબાજુ ઓછા મતદાનને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. પણ હકીકતે પહેલાં કરતા મતદાન વધ્યું છે. આ વખતે મતદાન ઘટ્યું હોવા છતાંય મતપેટીમાં વધારે મત પડ્યાં છે!
વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 68 ટકા મતદાન થયું હતું. પરંતુ તેની સરખામણીએ વર્ષ 2022માં માત્ર 61 ટકા જ મતદાન નોંધાયું છે. આમ, અહીં મતદાનની ટકાવારી ગત ચૂંટણી કરતા 7 ટકા ઘટી છે. આ સિક્કાનું માત્ર એક જ પાસું છે. જોકે સિક્કાનું બીજું પાસે જાણવા માટે આપણે આ ગણિત સમજીએ. એક તરફ ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. હાલ ચારેબાજુ ઓછા મતદાનથી કઈ પાર્ટીને નુકસાન અને કઈ પાર્ટીને ફાયદો થશે તેના ગણિત વિશે ચર્ચાઓ ચાલી રહી છે.
જો આપણે 2017 અને 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની વાત કરીએ તો 2017માં 68 ટકા મતદાન થયું હતું. તે વખતે કુલ મતદારો 2 કરોડ 12 લાખ હતા. જેમાં 1 કરોડ 44 લાખ લોકોએ 2017માં મતદાન કર્યું હતું. પરંતુ વર્ષ 2022ની વાત કરીએ તો આ વખતે નવા વોટર્સ વધ્યા છે. આ વખતે મતદારોની સંખ્યા 2 કરોડ 39 લાખ હતી. જેમાંથી 1 કરોડ 46 લાખ લોકોએ મતદાન કર્યું છે. એ પ્રમાણે મતદારોની સંખ્યા જોવા જઈએ તો 61 ટકા મતદાન થયું છે. પણ જો 2017ની ચૂંટણી કુલ મતદાનનો આંકડો જોવા જઈએ તો આ વખતની ચૂંટણીમાં 2 લાખ મત વધારે પડ્યા છે. વર્ષ 2017ની સરખામણીએ આ વખતે 27 લાખ મતદારો વધ્યાં છે. એટલેકે, 27 લાખ નવા મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે.
ગુજરાતની ચૂંટણીના ઈતિહાસ પર નજર કરીએ તો સામાન્ય રીતે વધારે મતદાન હંમેશાં ભાજપની તરફેણમાં રહ્યું છે. અને એ જ કારણ છે પ્રધાનમંત્રી મોદી પોતે પણ વધુ મતદાન માટે સતત અપીલ કરતા રહ્યા છે. ઘણી સભાઓ અને રેલીઓમાં પણ પીએમ મોદીએ લોકોને કહ્યું છે કે મત તમે ગમે તે પાર્ટીને આપો. પરંતુ મતાધિકારનો ઉપયોગ જરૂર કરો. આ ગણિત પર બંધ બેસીએ તો આ વખતનો આંકડો ભાજપને નફો કરાવી શકે છે.