ભાવનગરમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રહ્યું પરંતુ રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર હરીફાઈના કારણે મતદારો પણ અટવાયા હતા. ઉમેદવારો પોતાને મત મળે એ માટે પ્રયત્નશીલ હોય તે સ્વભાવિક છે પરંતુ મતદાન પછી કોને મત આપ્યો.? તે જાણવા પ્રયાસો થઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે, આ બાબત ગુપ્તતા અને લોકશાહી માટે ગંભીર ગણી શકાય !
ભાવનગરમાં ગઈકાલે મતદાન બાદ બહારના પ્રાંતના અજાણ્યા નંબર ઉપરથી અનેક નગરજનો પર ફોન આવ્યા હતા જેમાં તમે મતદાન કર્યું છે તેમ પૂછી કોને મત આપ્યો તે જાણવા પ્રયાસ કરાતા ચકચાર મચી હતી.
વધુમાં કંઇ પાર્ટીને મત આપ્યો તેમ નહિ પૂછી સીધા પશ્ચિમ મત ક્ષેત્રના ઉમેદવાર કે.કે.ગોહિલને મત આપ્યો હોય તો એક દબાવો, જીતુ વાઘાણીને મત આપ્યો હોય તો બે દબાવો તેમ કહેવામાં આવતું હતું. આથી જાગૃત મતદારો તો ચેતી ગયા હતા પરંતુ ઘણાખરા એ ફોનમાંથી મળતી સૂચના મુજબ કદાચ કર્યું પણ હશે. ત્યારે આ ફોન કરનાર કોણ..?, આ નંબર કોનો છે.? વિગેરે પ્રશ્નો ઉઠ્યા છે. વધુમાં આ નંબર પર સામો ફોન લાગતો નથી,આથી ભેદી ફોન કોલ્સ અંગે રહસ્ય વધુ ઘેરાયું છે.