રાજ્યની 89 બેઠકો પર ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં હવે રાજકીય પાર્ટીઓએ બાકીની 93 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા પહોંચ્યા હતા અને પ્રતાપનગરથી રોડ શરૂ કર્યો હતો. અમિત શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમિત શાહનો રોડ શો પ્રતાપનગરથી માંડવી, ફતેપુરા થઈ કોયલી ફળિયા અને ત્યાંથી જ્યુબિલીબાગ ખાતે પૂર્ણ થવાનો હતો. જોકે, રોડ શો પૂરો થાય તે પહેલા માંડવી ખાતે અધવચ્ચે રોડ શોમાંથી તેઓ ઉતરી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. સમર્થકોને અમિત શાહની ઝલક જોવા ન મળતા નારાજ થયા હતા.