ભાવનગર પૂર્વ અને પશ્ચિમ સહિત જિલ્લાની તમામ 7 બેઠકોમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું, જોકે મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે તેના તાળા પર મારવામાં આવેલ સિલ અંગે અવિશ્વાસ અને વિવાદ ઉભો થયો છે. શનિવારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરો તેમજ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો વિધાનગર સ્થિત સર ભાવસિંહજી પોલીટેકનિક કોલેજ ખાતે દોડી ગયા હતા અને મારવામાં આવેલ સીલ અંગે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે સ્થળ પર ન.મો વાઇફાઇ કનેક્ટ થતું હોય તે બંધ કરવા પણ ઉગ્ર રજૂઆત કરી હતી.
મતદાન પૂર્ણ થયા બાદ પેરામિલેટરી ફોર્સના બંદોબસ્ત તળે તમામ ઇવીએમ સહિતનું સાહિત્ય અને સામગ્રીને હાલ બીપીઆઈ કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે અને ત્યાં જ બે દિવસ બાદ મત ગણતરી હાથ ધરાશે. શનિવારે સાંજે આ કોલેજ નજીક ન.મો વાઇફાઇ કનેક્ટ થતું હોવાની ફરિયાદ ઉઠી હતી આ સાથે ઈવીએમ રાખવામાં આવ્યા છે તે સ્ટ્રોંગ રૂમના તાળા પણ સીલ શંકાસ્પદ હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે અવિશ્વાસ વ્યક્ત કરી ફરીથી સીલીંગ કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી તેના પગલે ચૂંટણી અધિકારી એવમ કલેક્ટર અને અન્ય અધિકારીઓ પણ દોડી ગયા હતા. દરમિયાનમાં આપ અને કોંગ્રેસના આક્ષેપ મુજબ ગારીયાધાર બેઠકના ઇવીએમ રાખવામાં આવ્યા છે ત્યાં તાળા પર મારવામાં આવેલું સીલ માત્ર નામનું જ હતું.! સિલ એવા પ્રકારે મારવામાં આવ્યું હતું કે તેણે ઊંચું કરીને તાળું ખોલી શકાય. આથી ફરીથી સિલ મારવામાં માંગણી કરાઈ હતી અને તંત્રએ એ મુજબ કરી આપ્યું હતું. જો કે, જિલ્લા કલેકટર શનિવારે સાંજે જ એક વિડીયો જાહેર કરીને સીલ બાબતે થયેલી ગેરસમજ ખોટી અફવા હોવાનું જણાવ્યું હતું.
દરમિયાનમાં ઇવીએમ મશીનના સ્ટ્રોંગ રૂમને મારવામાં આવેલ સીલ અંગે વિવાદ ઉઠતા તેમજ સ્થળ નજીક વાઇફાઇ પકડાતું હોવાથી ભાવનગર પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર તરફથી તકેદારીના ભાગરૂપે તેમના કુટુંબીજનોને સ્થળ પર રાઉન્ડ કલોક બેસાડી હાલ ચોકીપહેરો ગોઠવી દેવાયો હોવાનું વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું હતું.