ભાવનગરના ભરતનગર વિસ્તારમાં ચકતા મહાનગરપાલિકાના બગીચાના કામ સ્થળે મિક્સર વાહન લઈને ગયેલા ચાલક ઉપર શખ્સે બેટ વડે હુમલો કરતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના ભરતનગર, જૂના પોલીસ સ્ટેશન સામે ભવાની માતાજીના મંદિર પાસે મહાનગરપાલિકાની માલિકીની જગ્યામાં બગીચાનું કામ ચાલી રહ્યું છે. અહીં ગાર્ડનનો કોન્ટ્રાક્ટર રાખનાર ભવાની કંટ્રક્શનના રાહુલભાઈ ભીખાભાઈ ચાડ (ઉ.વ.૨૮, રહે, વિશ્વકર્મા સોસાયટી, પ્લોટ નં.૪૧/બી)એ ગઈકાલે રવિવારે સીમેન્ટ-કોક્રિંટ મિક્સરનું એજેક્સ ફ્લોરી વાહન નં.જીજે.૦૪.સીએફ.૦૯૨૦ લઈ ડ્રાઈવર મુકેશભાઈ મનુભાઈ ગુજરિયા (ઉ.વ.૨૨ ) રહે, ચાચબંદર, તા.રાજુલાને સવારથી સાઈટ પર મોકલ્યા હતા. સાઈટ પર આખો દિવસ કામ શરૂ હોવાથી ડ્રાઈવર યુવાન મુકેશભાઈ ગુજરિયા ત્યાં હાજર હતા, દરમિયાનમાં સાંજના સાડા પાંચ કલાકના આસપાસ જીગ્નેશ નામનો એક શખ્સ ક્રિકેટ બેટ લઈને આવ્યો હતો અને કોઈપણ કારણ વિના મુકેશભાઈને માથાના પાછળના ભાગે બેટના ઘા ફટકારી દેતા માથા અને મોઢાના ભાગે લોહિયાળ ઈજા પહોંછતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સરકારી અને ત્યારબાદ મેરૂ નર્સીંગ હોમમાં ખસેડાતા મોડી રાત્રિના તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે રાહુલભાઈ ચાડે જીગ્નેશ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.