ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તા.8ના મતદાન જાહેર થવામાં ભાજપે નવી સરકાર રચવાના ચક્રો ગતિમાન કરી લીધા છે અને તા.8ના પરિણામો બાદ તા.9ના સાંજ સુધીમાં પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યોને ગાંધીનગર પહોંચી જવા જણાવાયું છે અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોની પ્રથમ ઔપચારિક બેઠક તા.9ના રાત્રે તથા નવા નેતા ચૂંટી કાઢવા પક્ષની બેઠક તા.10ના સાંજે અથવા 11ના સવારે મળશે તેવા સંકેત છે.
એક તરફ ગાંધીનગરમાં વિધાનસભા ભવન ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને આવકારવા તથા તેમને ઓળખપત્ર સહિતની કામગીરી માટે વિધાનસભા ભવનમાં ગ્રાઉન્ડફલોર ખાતેના રૂમોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ધારાસભ્યોને અહી નેવીગેટ કરવા પણ ખાસ વ્યવસ્થા છે. તેમજ જે ધારાસભ્યો નવા ચૂંટાશે તેઓને રહેવા માટે સર્કીટ હાઉસ પણ ખાલી રાખવા જણાવાયું છે.
તા.9 થી 12 સુધી સર્કીટહાઉસમાં કોઈ મેજર બુકીંગ કરવામાં આવશે નહી. આ ઉપરાંત પરિણામો આવતાની સાથે જ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકોની ટીમ દિલ્હીથી ગુજરાત આવી પહોંચશે. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેનાર છે. મંત્રીમંડળ સહિતનો ધમધમાટ તા.9 થી શરુ થઈ જશે અને ભાજપ તા.11 કે 12 ના રોજ ગાંધીનગરમાં જ ભવ્ય શપથવિધિ સમારોહ યોજે અને જો પક્ષ 127 બેઠકોની બહુમતીનો રેકોર્ડ તોડે તો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શપથવિધિમાં હાજરી આપે તેવી ધારણા છે.
આ ઉપરાંત એક વખત નવા મંત્રીમંડળની રચના થઈ જાય પછી જે મંત્રીઓ ભૂતપૂર્વ થશે તેઓના બંગલા ખાલી કરવાની નોટીસ અપાશે. એક તબકકે અગાઉની રૂપાણી સરકારના જે મંત્રીઓ હતા તેમને તાત્કાલીક વિરોધ ન થાય તે માટે ગાંધીનગરમાં નવા બંગલા ફાળવાયા હતા પરંતુ તેમાં મોટાભાગના ધારાસભ્યપદે પણ રહેશે નહી તેથી તેમને આ બંગલા ખાલી કરવા પણ નોટીસ આપવામાં આવશે. જો કે એકમાત્ર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેનો બંગલો યથાવત રાખવા જણાવાય તેવી ધારણા છે.