ગુજરાત સહિત દેશભરમાં ભારે ઉતેજના જગાવનારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામોનું કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે અને આવતીકાલે સવારથી બન્ને રાજયોની મતગણતરી શરૂ થતા જ ઉતેજના છવાઈ જશે. ગુજરાતની 182 ધારાસભા બેઠકો તથા હિમાચલ પ્રદેશની 78 વિધાનસભા બેઠકો પર કાલે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવા સંકેત છે.
જાહેર થયેલા એકઝીટ પોલમાં શાસક ભાજપને ફરી એક વખત બહુમતી સાથે સતા મળશે તેવા સંકેત આવે છે અને રાજયના પરિણામોમાં કોઈ એકઝીટ પોલમાં ‘અપસેટ’ની આગાહી કરવામાં આવી નથી પણ રસપ્રદ રીતે ભાજપ ખુદનો 127 બેઠકોનો રેકોર્ડ તોડી શકે છે કે કેમ તેના પર નજર છે અને તેનાથી પણ એક ડગ આગળ વધીને અગાઉનો માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષે જે 149 બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે તેને પણ તોડશે કે કેમ તેના પર જબરી ચર્ચા છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ઓછી બેઠકો સાથે પણ નંબર ટુ પર આવશે અને આમ આદમી પાર્ટી કેટલું જોર લગાવી શકે છે તે અંગે ઉતેજના છે. રાજયમાં ભાજપની સરકાર ફરી સતા પર આવ્યા બાદ તુર્ત જ નવા મંત્રીમંડળની રચનાનું કાઉન્ટડાઉન પણ શરૂ થશે અને આ ચૂંટણી પરિણામો દેશના આગામી સમયના રાજકારણમાં પણ મહત્વના પુરવાર થશે.
ગુજરાતની આ ચૂંટણી બાદ આગામી વર્ષે દેશના મહત્વના મધ્યપ્રદેશ કર્ણાટક, રાજસ્થાન સહિતના રાજયોમાં પણ આવી રહેલી ચૂંટણીમાં પણ 2024ની લોકસભા ચૂંટણી પુર્વેની ટકકર જોવા મળશે.