વિધાનસભા ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે તેનો ફેંસલો કાલે સાંજ સુધીમાં આવી જશે. ભાવનગરની કંઇ બેઠક પર ક્યાં ઉમેદવારનું નસીબ ખુલ્લે છે તે અંગે મતદારોમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે.! એક્ઝિટ પોલના સરવે અને રાજકીય વિશ્લેષકોના વર્તારા એ મતદારોને ગોથે ચડાવ્યા છે. ભાવનગર જિલ્લામાં ભાજપને નુકશાન થવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે ત્યારે કોને નુકશાન, કોને ફાયદો તેના ગણિત મંડાયા છે અને ચોરેને ચોંટે એક જ વાત થઈ રહી છે કે ‘શું લાગે છે?’ આમ, અત્ર તત્ર સર્વત્ર થઈ રહેલી ચર્ચાઓ અને પુછાઇ રહેલા પ્રશ્નોનો કાલે અંત આવી જશે. ભાવનગરમાં વિધાનગર સ્થિત સર ભાવસિંહજી પોલીટેકનિક કોલેજ ખાતે કાલે ગુરુવારે સવારે ૮ વાગ્યાના ટકોરે મત ગણતરીનો પ્રારંભ થશે. મત ગણતરીને આડે હવે ગણતરીના કલાકો બચ્યા છે ત્યારે ઉમેદવારો ઉપરાંત સમર્થકો અને અન્ય સબંધીતો ઉચાટ અનુભવી રહ્યા છે.!
ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેની મતગણતરી ગુરૂવારે યોજાશે. આ મતગણતરી માટેની તૈયારીનો ધમધમાટ ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. મતગણતરીની કામગીરીમાં આશરે ૯૮૩ અધિકારી- કર્મચારીઓ ફરજ બજાવશે. સાત વિધાનસભા બેઠકની મતગણતરી અલગ-અલગ રૂમમાં કરાશે. તમામ અધિકારી-કર્મચારીઓને વહેલી સવારે મતગણતરી સેન્ટરે હાજર થવા જણાવેલ છે.
ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, મહુવા અને ગારિયાધાર બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવશે. એક વિધાસનભામાં આશરે ૧પ૦ કર્મચારી ફરજ બજાવશે. સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમ લઈ જવા, ઈવીએમના મતની ગણતરી, બેલેટ પેપરના મતની ગણતરી, સીલ મારવા સહિતની જુદી જુદી કામગીરી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ પણ સાંજ સુધી કામગીરી ચાલશે તેમ જાણવા મળેલ છે.
મત ગણતરીના પ્રારંભિક રાઉન્ડથી ટ્રેન્ડ આવવાના શરૂ થઈ જશે, બપોર સુધીમાં ચિત્ર કલિયર થશે
એક પ્રતિષ્ઠિત સરવે મુજબ ભાવનગર જિલ્લામાં ભાજપને માત્ર ૩ બેઠક મળશે, વાઘાણી પણ હારશે!: જાેકે, સ્થાનિક વિશ્લેષકોના મતે ભાજપ ૫ બેઠક મેળવશે અને વાઘાણી જીતશે.!
ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકની કાલે મત ગણતરી હાથ ધરાનાર છે. મત ગણતરીમાં બપોર સુધીમાં લગભગ ચિત્ર કલીયર થઈ જશે તેવું અનુમાન છે. જાેકે, મત ગણતરીના પ્રારંભિક તબક્કાથી જ ટ્રેન્ડ આવવાના શરૂ થઇ જશે.
સૌરાષ્ટ્ર કચ્છના સરવેમાં જુદા જુદા એક્ઝિટ પોલે કરેલા અનુમનોમાં મતદારો હવે ગોથે ચડ્યા છે ત્યારે કાલે બપોરે જ સાચું શું.? તે ખ્યાલ આવશે. એક પ્રતિષ્ઠિત સરવે મુજબ ભાવનગરમાં ભાજપ કોંગ્રેસને ૩-૩ બેઠક મળે છે જયારે આપની એક બેઠક સાથે એન્ટ્રી થશે.! સરવે મુજબ પશ્ચિમની બેઠક શિક્ષણ મંત્રી વાઘાણી પાતળી સરસાઇથી હારે છે તો પાલીતાણા, મહુવામાં પણ પંજાે પકડ જમાવશે. જાેકે, સ્થાનિક વિશ્લેષકોના મત મુજબ પશ્ચિમમાં વાઘાણી જીતે છે આ સાથે ભાજપને ૫ બેઠક મેળવશે તેમ માનવું છે. આમ, એક્ઝિટ પોલ અને વિશ્લેષકોના વર્તારા એ હાલ તો મતદારોને ગોથે ચડાવી દીધા છે બીજી બાજુ ઉમેદવારોના બ્લડ પ્રેશર વધાર્યા છે. ત્યારે કાલે બપોર સુધીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.!