ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી ઈતિહાસ રહ્યો છે. સાતમી વખત સતા હાંસલ કર્યાની સાથોસાથ છેલ્લા 27 વર્ષમાં ન મેળવી હોય તેટલી રેકોર્ડ બેઠકો મેળવવાના માર્ગે આગળ ધપી રહ્યો છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ 130થી વધુ બેઠકોમાં ભાજપના ઉમેદવારો લીડ મેળવવા લાગ્યા હતા. કોંગ્રેસનો સફાયો થયાનુ અને આમ આદમી પાર્ટીની કોઈ ખાસ તાકાત સાબીત થઈ શકી ન હતી. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબકકે યોજાયેલા ચૂંટણી મતદાન બાદ આજે રાજયના જુદા-જુદા 37 સેન્ટરો પર મતગણતરી શરૂ થઈ હતી.
130થી વધુ બેઠકોમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવારો લીડ મેળવવા લાગ્યા હતા અને તેને પગલે ભાજપનો રેકોર્ડબ્રેક વિજય થવાનુ ચિત્ર ઉપસવા લાગ્યુ હતું. રાજયના ચારેય ઝોનમાં ભાજપનો જ જયજયકાર હોય તેમ સર્વત્ર બહુમતી બેઠકોમાં વિજયવાવટો ફરકવાનુ ચિત્ર સર્જાયુ હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં 2017માં કાંઠુ કાઢીને ભાજપ કરતા પણ વધુ બેઠકો મેળવનાર કોંગ્રેસને આ વખતે પ્રચંડ પછડાટ ખમવાનો વખત આવ્યો હોય તેમ બે આંકડે પણ માંડ પહોંચવાનો ટ્રેન્ડ હતો.
ઉતર ગુજરાતમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આ ઝોનની 32માંથી 24 બેઠકોમાં ભાજપના ઉમેદવારો આગળ છે. કોંગ્રેસને માત્ર પાંચ બેઠક પર લીડ હતી. આપના ઉમેદવાર એક તથા અન્ય બે બેઠક પર આગળ હતા. દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હોય તેમ 35માંથી 28 બેઠકોમાં ભાજપ ઉમેદવારોને લીડ હતી જયારે કોંગ્રેસ પાંચ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બે બેઠકોમાં આગળ હતા. મધ્ય ગુજરાતમાં ભાજપનો સપાટો યથાવત હતો. 61માંથી 54 બેઠકોમાં ભાજપના ઉમેદવારોને સરસાઈ હતી. કોંગ્રેસને 4, આપને એક બેઠક પર લીડ હતી.
મોંઘવારી, બેરોજગારી, મફત વિજળી, સસ્તા રાંધરગેસ, કૃષિ લોન માફી સહિતના વચનો-મુદ્દાઓના આધારે લડાયેલી ચૂંટણીમાં મતદારોએ માત્ર ભાજપના વિકાસ પર જ ભરોસો મુકયો હોય તેમ ખોબે-ખોબે મત આપ્યા હતા. કોંગ્રેસ પરનો વિશ્ર્વાસ અદ્દશ્ય હોય તેમ પ્રચંડ ફટકો માર્યો હતો.કોંગ્રેસ 2017માં 77 બેઠકો પર વિજયવાવટો ફરકાવ્યો હતો પરંતુ આ વખતે પ્રચંડ ધોવાણ થયુ હોય અને કોંગ્રેસને ભુંસી નાખવાનો મતદારોનો મિજાજ હોય તેમ માંડ બે-ડઝન જેટલી બેઠકો પર જ તેના ઉમેદવારોની લીડ હતી.આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો લડવાની જાહેરાત સાથે પ્રચારનું વાવાઝોડુ સર્જયુ હતું. રેવડી કલ્ચર ઉભુ કર્યુ હતું છતાં મોટી તાકાત દેખડી શકી ન હોય તેમ 10 બેઠકોમાં જ તેના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા.
સમગ્ર ગુજરાતમાં ભાજપનો જ જયજયકાર હોય તેમ રીતસરનું એક મોજુ જ ફરી વળ્યુ હતું અને અન્ય તમામ તેમાં તણાઈ ગયા છે. કોંગ્રેસમાંથી બીજી ટર્મ લડનારા ધારાસભ્યો તથા દિગ્ગજ નેતાઓના ડબ્બા ડૂલનો ઘાટ છે. અમીત ચાવડા જેવા નેતાઓ પણ પાછળ છે.રાજકીય વિશ્લેષકોના મતે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસનું ધોવાણ થયાની છાપપ છે. સંખ્યાબંધ બેઠકો પર કોંગ્રેસ ત્રીજા સ્થાને હતું તેનો સીધો અર્થ એવો થતો હતો કે આપને કારણે મતોનું મોટુ વિભાજન-ધ્રુવીકરણ થયુ છે. વિધાનસભા ચૂંટણી પરિણામોને પગલે ભાજપ છાવણી ગેલમાં આવવાનુ સ્વાભાવિક હતું. પાર્ટીએ એકઝીટ પોલના આધારે જ જીત-જશ્નની તૈયારી કરી લીધી હતી. કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.
હાઉ’સ ધ જોશ… ગુજરાત
મજુરા બેઠક પરથી વિજેતા બનેલા ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ભાજપની પ્રચંડ જીત પર ટવીટ કરીને હાઉ’સ ધ જોશ ગુજરાત તેવું જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો.