સૌરાષ્ટ્ર-કચ્છની વિધાનસભાની પ4 બેઠકના ચૂંટણી પરિણામો જાહેર થવા લાગતા 2017ની ચૂંટણી કરતા ભાજપે ઘણો ઉજળો દેખાવ કર્યો છે. સવારે પ્રથમ બે કલાકમાં માત્ર સૌરાષ્ટ્રની 48 બેઠક પૈકી 34 બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ નીકળી જતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત વખતે થયેલુ નુકસાન ભાજપે ઘણા પ્રમાણમાં કવર કરી લીધાનું લાગ્યુ છે.
આ વખતે ત્રણેક મહિનાથી આમ આદમી પાર્ટીની તૈયારીઓ, કોંગ્રેસના નવા જુસ્સા વચ્ચે ભાજપને મોટા પડકારો મળ્યાનું ચિત્ર હતું પરંતુ શહેરી અને મોટા પ્રમાણમાં ગ્રામ્ય મતદારોને પણ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર ભરોસો હોવાનું ઇવીએમ કહી રહ્યા છે.
આમ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપે અગાઉ રજુ થયેલી ધારણા મુજબ કમબેક કર્યુ છે. કોંગ્રેસના સુપડા સાફ થયા છે. તો આમ આદમી પાર્ટીએ પણ કોઇ મોટો દેખાવ કર્યો નથી. પાંચ વર્ષ અગાઉની સ્થિતિમાં ભાજપે ઘણો સુધારો કર્યો છે અને પક્ષને કોઇ અસંતોષ પણ નડી શકયો નથી તે મહત્વની બાબત બની છે.