જીએસટી કાઉન્સિલ ની આગામી મળનારી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લઈ શકાય છે અને સાથે સાથ સૌથી જરૂરી વાત એ છે કે આ બેઠકમાં અનેક ક્ષેત્રો દ્વારા કરવામાં આવી રહેલી કરચોરી અને ખાસ કરીને ગુટખા અને પાન મસાલા ની કંપનીઓ દ્વારા કરવામાં આવતી કરચોરી પર ગંભીર મંત્રણા થવાની છે.
આ પ્રકારની પેઢીઓ પર કેવી રીતે નિયંત્રણ મૂકી શકાય અને કરચોરી પર અંકુશ મુકવા માટે કેવા પગલાં લઈ શકાય તે બારામાં મહત્વની ચર્ચા થશે અને કેટલાક મહત્વના નિર્ણય પણ કરવામાં આવે તેવી શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે. દરમિયાનમાં જીએસટી કાઉન્સિલની આગામી બેઠક મળે તે પહેલા જ મંત્રીઓના જૂથ દ્વારા પોતાની ભલામણો મોકલી દેવામાં આવી છે અને તેમાં પણ ગુટખા અને પાન મસાલા કંપનીઓ પર લગામ લગાવવા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા છે અને કાઉન્સિલ દ્વારા આ રિપોર્ટ પર ગંભીર વિચારણા કરવામાં આવશે.
મંત્રીઓના જૂથને એ બાબતની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું કે કરચોરીની સંભાવના વાળી વસ્તુઓ પર જીએસટી લગાવવું કેટલું વ્યાજબી છે અને આ બારામાં મંત્રીઓના જૂથ દ્વારા અભ્યાસ કરીને તેની સમીક્ષા કરવામાં આવી હતી અને ભલામણો મોકલી દેવામાં આવી છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં એમ કહ્યું હતું કે 17મી ડિસેમ્બર ના રોજ નવી દિલ્હીમાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મંત્રીઓના જૂથ નો રિપોર્ટ રજૂ થઈ જશે અને મહત્વના પગલાં અંગે નિર્ણય લેવાઇ શકે છે.
ગુટખા અને પાન મસાલા જેવી ચીજ વસ્તુઓના ઉત્પાદન ક્ષમતા ના હિસાબથી ટેક્સ લગાવવાના ફાયદા અને તેના નુકસાન અંગે મંત્રીઓના જૂથ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને મંત્રીઓના જૂથની એવી દલીલ પણ છે કે આમ કરવાથી મહેસુલી આવકમાં પણ અપેક્ષિત વધારો મળશે અને કરચોરી પર લગામ મૂકી શકાશે.





