ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના પ્રચંડ વિજય સાથે જ હવે નવી સરકારની રચનાની પ્રક્રિયા તેજ થઇ ગઇ છે અને સોમવારે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે તે પૂર્વે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે તેમની બીજી ટર્મમાં મંત્રીઓની પસંદગીનો સૌથી મોટો પડકાર ઉભો થયો છે. 2017માં ભાજપના 99 ધારાસભ્યો ચૂંટાયા હતા અને તેથી મંત્રી મંડળમાં સમાવેશ માટેના દાવેદારો પણ ઓછા હતા પરંતુ હવે 156 ધારાસભ્યોમાંથી 2024ની ચૂંટણી ઉપરાંત ભાજપ માટે હવે શાસનનો પાંચ વર્ષનો લાંબો ગાળો શરુ થતા જ અનેક મોટા પડકારો પણ ઉપાડવા પડશે.
સૌરાષ્ટ્ર અને કચ્છે 2017નું વટક વાળીને ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ 48 બેઠકો આપી છે અને તેથી જ નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનું બેલેન્સ જળવાય તે જરુરી છે. ભાવનગર જિલ્લામાંથી હાલના કેબીનેટ મંત્રી જીતુ વાઘાણીનું પુનરાગમન નિશ્ચિિત છે. બોટાદમાંથી ગઢડા બેઠક પર ચૂંટાયેલા મહંત શંભુપ્રસાદ ટુંડીયાને મંત્રી બનાવાય તેવી શક્યતા છે જ્યારે સુરતમાંથી મજુરા બેઠકના હર્ષ સંઘવી કેબીનેટ મંત્રી સાથે બઢતી મળે તેવું નિશ્ચિિત મનાય છે. અમરેલી જિલ્લો જે ભાજપ માટે સૌથી મહત્વનો છે તેમાં અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને સ્થાન મળી શકે છે.
અમદાવાદમાં એલીસબ્રીજમાંથી ચૂંટાયેલા અને પૂર્વ શહેર પ્રમુખ અમિત પી. શાહ નવા ચહેરા તરીકે આવી શકે છે. ગાંધીનગરમાં ભાજપને પ્રથમ વખત તમામ બેઠકો મળી છે અને તેથી હવે અલ્પેશ ઠાકોર કે જે લાંબા સમયથી ભાજપની સાથે રહીને ફરી ચૂંટણી જીત્યા છે તેમના નામ પર ચર્ચા થઇ શકે છે. દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ લાંબા સમયથી મંત્રીમંડળ માટે દાવેદાર ગણાય છે અને તેઓ ફરી વિજેતા બનીને આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપને પ્રથમ વખત તમામ બેઠકો પર વિજય મળ્યો છે અને તે હિસાબે પક્ષ દ્વારા લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના વિકલ્પમાં કોઇ ચહેરાને પસંદ કરી શકાય છે. મોરબી-ટંકારામાંથી વાંકાનેર બેઠકના વિજેતા જીતુ સોમાણીએ જે રીતે જાયન્ટ કીલર બન્યા છે તેમને આગળ ધરાશે. રાજકોટમાંથી સૌથી વધુ મતે જીતેલા ડો. દર્શિતાબેન શાહનું સ્થાન નિશ્ચિિત મનાય છે. જ્યારે હવે જિલ્લામાંથી પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડીયામાંથી એકની પસંદગી થશે. જામનગર જિલ્લામાં રાઘવજી પટેલ ગ્રામ્યમાંથી ફરી ચૂંટાયા છે તેથી તેમને મંત્રીમંડળમાં યથાવત રખાય તેવી શક્યતા છે.
વડોદરા મહાનગરપાલિકામાંથી અગાઉ મનીષાબેન વકીલ કેબીનેટમાં હતા અને તેમનું સ્થાન યથાવત રહે તેવા સંકેત છે. જ્યારે રાવપુરામાંથી બાલકૃષ્ણ શુક્લનું નામ પણ નિશ્ચિિત મનાય છે. ઝઘડીયામાં જાયન્ટ કિલર બનેલા રિતેશ વસાવા કે જે નવા ચહેરા તરીકે મંત્રી મંડળમાં સ્થાન મેળવી શકે છે જ્યારે માંગરોળમાંથી ફરી ચૂંટાયેલા ગણપત વસાવાને વિધાનસભા અધ્યક્ષ પદ અપાય છે કે મંત્રી મંડળમાં સમાવેશ થાય છે તેના પર નજર છે. સુરતમાં 2017 બાદ બંને મંત્રીમંડળમાં કિશોર કાનાણી, વિનોદભાઈ મોરડિયા, પુર્ણેશ મોદી મંત્રી હતા તેમાં પુર્ણેશ મોદીને ગત મંત્રીમંડળમાં ડીગ્રેડ કરાયા બાદ હવે તેમને મહત્વના ખાતા સોંપાય છે કે કેમ તેના પર શંકા છે. જ્યારે વર્તમાન સરકારના મંત્રી નરેશ પટેલ, મુકેશ પટેલને મંત્રી પદ મળે તેવી શક્યતા છે.મહેસાણા જિલ્લામાં ભાજપ હવે ઋષિકેશ પટેલને બદલે નવા ચહેરાને પસંદ કરી શકે છે.