મહુવા માર્કેટીંગ યાર્ડમાં પ્રતિદિન ડુંગળી તેમજ મગફળીની આવકમાં નોંધપાત્ર પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. આ બંને રોકડીયા પાકના મહુવા યાર્ડમાં ઉંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ઉત્સાહ વધી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી અને લગ્નસરાની સિઝનમાંથી હળવા થયેલા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો, શ્રમિકો અને કમિશન એજન્ટો ફરી વખત ખેતપેદાશોની ખરીદ વેચાણ સહિતની પ્રક્રિયામાં વ્યસ્ત બની જશે.
ભાવનગર સહિત સમગ્ર ગોહિલવાડમાં જગતના તાત ખેડૂતો દ્વારા રોકડીયા પાક કપાસ અને મગફળી સહિતની ખેત પેદાશો તૈયાર થઈ જતા વેચવા માટે માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે. ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં પોષણક્ષમ ભાવ મળતા હોવાથી જિલ્લાભરના ખેડુતો જે તે સેન્ટરોમાં ઉમટી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં પણ ખેતપેદાશોની મબલખ આવક થઈ જાય છે ત્યારે એકાએક જે તે માર્કેટીંગ યાર્ડના સૂત્રધારોને મગફળી તેમજ કપાસની આવકને અટકાવવા કાર્યરત રહેવુ પડે છે. ભાવનગર જિલ્લામાં મગફળી અને કપાસની સર્વાધિક આવક ધરાવતા મહુવાના માર્કેટીંગ યાર્ડમાં અવારનવાર ડુંગળી તેમજ મગફળીની આવક ભરપુર થઈ જાય છે જેથી યાર્ડનું સમગ્ર સંકુલમાં ઠેર ઠેર ગાંસડીઓ અને ગુણીઓના ખડકલા દ્રશ્યમાન થાય છે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં તા.૯-૧૨ને શુક્રવારે લાલ ડુંગળીની ૩૦,૪૪૪ થેલી તેમજ સફેદ ડુંગળીની ૪૪૮૭ થેલી મળી કુલ ૩૦,૯૩૧ થેલીનું વેચાણ થવા પામ્યુ હતુ. જે પૈકી લાલ ડુંગળીના ઉંચા ભાવ ૩૫૦ બોલાયા હતા. જયારે સફેદ ડુંગળીના ઉંચા ભાવ ૩૫૦ બોલાયા હતા. જયારે ઓછા ભાવ, લગ્નસરા તેમજ ચૂંટણીની સિઝનને લઈને મહુવા યાર્ડમાં કુલ ૩૮૬૬ ગુણી મગફળીનું વેચાણ થયુ હતુ.જેમાં મગફળીના ૧૩૭૬ ઉંચા ભાવ બોલાયા હતા. આ ઉપરાંત ઘંઉ ટુકડા અને લોકવનના ઘંઉના ૫૩૩ કટાનું વેચાણ થયુ હતુ. જેના ૧૯૯૫ ઉંચા ભાવ બોલાયા હતા.જયારે પાલિતાણા માર્કેટીંગ યાર્ડમાં કપાસની ૧૧૦૦ ગુણી કપાસની આવક થઈ હતી. જેના ઉંચા ભાવ ૧૭૩૦ બોલાયા હતા. જયારે સફેદ તલના ૧૯૫૦ ઉંચા ભાવ બોલાયા હતા અને મગફળીના ઉંચા ભાવ ૧૩૮૫ બોલાયા હતા.