ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટૂંકુ સત્ર સોમવારે શરુ થશે. જેમાં સર્વપ્રથમ વચગાળાના સ્પીકરની નિયુક્તિ થશે તથા બાદમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે અને બીજા દિવસે એટલે કે તા. 20ના રોજ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થશે. તા. 19ના રોજ તમામ ધારાસભ્યો શપથ લેશે અને ત્યારથી તેમના પગાર-ભથ્થા વગેરે શરુ થઇ શકશે અને બાદમાં વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે તા. 20ના રોજ વરણી થશે.
ત્યારબાદ વિધાનસભાનું બજેટ સત્ર જાન્યુઆરી માસના અંતે મળશે તેવા સંકેત છે. વિધાનસભામાં અધ્યક્ષ તરીકે ભાજપે કોઇ પીઢ નામો અંગે વિચારણા શરુ કરી છે અને રવિવાર સુધીમાં તેની જાહેરાત થઇ જશે તે ગાળા દરમિયાન એક સિનિયર સભ્યને વિધાનસભાના વચગાળાના અધ્યક્ષ તરીકે કાર્ય કરવા માટે જણાવાશે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત વિપક્ષની પાટલીમાં સૌથી ઓછી સંખ્યા જોવા મળશે અને શાસક પક્ષ મોટાભાગની બેન્ચો પર કબજો કરી લેશે.