યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) એ ચાર વર્ષના અન્ડર ગ્રેજયુએટ કોર્સની ગાઈડલાઈન્સ જાહેર કર્યા બાદ છાત્રોના મનમાં અનેક સવાલો પેદા થઈ રહ્યા છે, જેને લઈને યુજીસીના અધ્યક્ષ પ્રો. એમ.જગદીશકુમારે જણાવ્યું હતું કે હાલ યુનિવર્સિટી અને છાત્રોને માત્ર ચાર વર્ષનો કોર્સ જ ભણવા માટે મજબૂર નહીં કરવામાં આવે, જયાં સુધી દેશમાં બધી યુનિવર્સિટીઓ અને કોલેજો ચાર વર્ષના કોર્સ માટે તૈયાર નથી થઈ જતી, ત્યાં સુધી ત્રણ વર્ષનો ડીગ્રી કોર્સ બંધ નહીં કરવામાં આવે.
યુનિવર્સિટી ઈચ્છે તો ત્રણ વર્ષનો કોર્સ ચાલુ રાખી શકે છે. તેમણે જણાવ્યું હતું કે યુજીસીને એ જાણમાં આવ્યું છે કે હાલ અનેક યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ચાર વર્ષના ગ્રેજયુએશન કોર્સ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર (માળખુ) તૈયાર નથી. સાથે સાથે ટીચરોની ઘટ છે, આ પરીસ્થિતિમાં ત્યાં ચાર વર્ષના કોર્સ માટે મજબૂર નહીં કરાય અને ત્યાં ત્રણ વર્ષનો કોર્સ ચાલુ રહેશે, જયારે જો છાત્ર ચાર વર્ષના કોર્સમાં એડમીશન લે છે અને તે ત્રણ વર્ષ પછી છોડી દેવા માંગે છે તો તેને ત્રણ વર્ષના કોર્સની ડિગ્રી મળી શકે છે.
કેટલા વર્ષનો કોર્સ એ યુનિવર્સિટી નકકી કરશે: યુજીસી અધ્યક્ષે જણાવ્યું હતું કે એ યુનિવર્સિટી જ નકકી કરશે કે તે 2023-24માં ત્રણ વર્ષનો કોર્સ પસંદ કરે છે કે આ વર્ષના કોર્સમાં છાત્રને પ્રવેશ આપે છે. યુનિવર્સિટીએ પોતાને માળખુ, ફેકલ્ટીની સંખ્યાને જોઈને નકકી કરવું પડશે.
યુજીસીના અધ્યક્ષનું કહેવું છે કે દેશની બધી યુનિવર્સિટીઓમાં હજુ ત્રણ વર્ષનો ઓનર્સ કોર્સ નથી. ચાર વર્ષના કોર્સની જે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે, તેમાં એવી વ્યવસ્થા કરાઈ છે કે પહેલા વર્ષનું ભણતર પૂરું થયા બાદ છાત્રએ સિસ્ટમમાંથી બહાર નીકળવા માંગે છે તો તેને યુજી (અન્ડર ગ્રેજયુએટ)નું સર્ટીફીકેટ આપવામાં આવશે. બે વર્ષ બાદ યુજી ડિપ્લોમા અને ત્રણ વર્ષ બાદ યુજી ડીગ્રી સર્ટીફીકેટ મળશે. ચાર વર્ષનું ભણતર પુરું કર્યા બાદ યુજી ડીગ્રી (ઓનર્સ) આપવામાં આવશે.
ચાર વર્ષના કોર્સ બાદ સીધી પીએચડી કરી શકાશે
યુનિવર્સિટીમાં રિસર્ચ માટે કઈ કઈ જોગવાઈ કરાઈ છે? ચાર વર્ષનો કોર્સ શરૂ કરતા પહેલા આ મુદો મહત્વનો રહેશે. ચાર વર્ષનો કોર્સ પુરો કર્યા બાદ છાત્ર સીધા પીએચડી કરી શકશે.